

વાંસળી એટલે માત્ર વાજિંત્ર જ નહીં પરંતુ વાસંતીને સૂર વડે આપેલ વાયરાનો ધબકાર અને એ ધબકારનો નિમિત્ત કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. માણસ પોતાની ઓળખ ઊભી કરવા માટે જાતભાતના વસ્ત્રો, શૃંગાર અને વિધવિધ વસ્તુઓનો સહારો લે છે, પરંતુ કૃષ્ણ સાથે જોડાઈને ઘણી વસ્તુઓને અલગ ઓળખ મળી છે. મોરપીંછ જે માત્ર એક પંખીના પીંછા જ નથી પણ એક અમર પવિત્ર પ્રસાદ છે, કૃષ્ણ થકી પિતાંબરને નવી ઓળખ મળે છે. તેવી જ રીતે અનેક વાજિંત્રોની વચ્ચે વાંસળીનું મહત્વ કંઈક અનોખું જ છે. અને એનું કારણ છે કે કૃષ્ણના શ્વાસની સૌથી નજીક છે. હજી વધારીને કહીયે તો કૃષ્ણના શ્વાસને ગાતા કરે છે. કૃષ્ણ પર કાવ્ય રચી જ ન શકાય કારણકે, કૃષ્ણ પોતે જ એક કાવ્ય છે. એમનું જીવન જ લયબદ્ધ પંક્તિઓ છે. કૃષ્ણ એ ગોકુળમાં કરેલ અનેક લીલાઓથી ગોવાસીઓની આંખો રાતી કરી છે. અને એ જ ગોકુળમાં વાંસળી થકી લોકોના હૃદય ડોલાવી આનંદની પણ પેલે પાર લઈ ગયેલ છે..
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
– નરસિંહ મહેતા
કૃષ્ણના વ્યક્તિત્વને ઓળખવું જેટલું અઘરું છે, એટલું જ સહેલું છે એમનું દિલ જીતવું. બસ, તમારે નાદાન બનવું પડે.. જે નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવા એમનાં ઘણા ભક્તો સારી પેઠે જાણી ગયેલ. અને એમની કૃષ્ણ ભક્તિથી જ અનેક કાવ્ય રચનાઓ સહજ ઉદ્દભવી છે. કૃષ્ણ પણ સારી પેઠે જાણે છે કે એમનાં ભક્તોને પ્રેમથી કંઈ રીતે સતાવવા. વાંસળી તો તેમનું લોકોના હૃદયમાં વસવા માટેનું હથિયાર છે. ગોપીઓ આમ તો ફરિયાદ કરે છે છતાંય કૃષ્ણ એમને વાંસળી થકી ફરી ફરીને યાદ કરે એ ગોપીઓને ખુબ ગમે છે. એમની ફરિયાદ પણ એક આવકારો છે. આખાય ગીતમાં ભક્ત નરસિંહ મહેતા એ વાંસળીને નિમિત્ત બનાવી છે અને સાચે જ વાંસળી કૃષ્ણની કેટલી નજીક હશે કે એ અમર થઇ ગઈ.
આવો જ ભાવ કવિ શ્રી બાલમુકુંદ દવે કંઈક માદકતાથી વર્ણવે છે, કૃષ્ણના સંદર્ભમાં કોઈ પણ ક્રીડાનું વર્ણન કરો, એનામાં ખુબ જ પવિત્રતા અને સાત્વિકતાનો અહેસાસ થાય. કવિને અહીંયા કોયલના પંચમ સૂર કરતા વાંસળીના સૂર છાતીએ ભટકાય છે અને સ્તનયુગલને જાણે પ્રેમનો સ્પર્શ થતો હોય એવી અનુભૂતિ કરાવે છે.
કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર
-બાલમુકુંદ દવે
કવિ અહીં વિચારની પરાકાષ્ઠાએ પહોંચીને અધમુઆ થયેલ સૂરની વેદનાને વ્યક્ત કરે છે, જે સૂરનો જનેતા વાંસળીથી ક્યાંક તો હોઠ દૂર કરે છે અને અને સૂરને પણ કૃષ્ણથી અળગા થવું નથી. કવિ શ્રી વાંસળી અને સૂરને કૃષ્ણની કેટલી નજીક વર્ણવે છે આ પંક્તિમાં,
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?
– હરીન્દ્ર દવે
કૃષ્ણની વાત કરતાં હોઈએ, મોરપીંછ અને વાંસળીની વાત કરતાં હોઈએ અને આપણે કૃષ્ણના પરમ ભક્ત કવિ શ્રી સુરેશ દલાલને યાદ ન કરીયે તો આપણી પણ કૃષ્ણ કેફિયત અધૂરી રહે.
કવિ શ્રી સુરેશ દલાલના કાવ્યોમાં એવો તો લય હોય છે કે કાવ્ય અને ગીતમાં કોઈ ભેદ રહે જ નહિ, સંગીતકારોને પણ સંગીતની રચના કરવામાં જરાક પણ અઘરું ન લાગે. સુરેશ દલાલ લેખિત લગભગ દરેક કાવ્યો સંગીતબદ્ધ થયા છે. ગોપીઓના મહેણાંમાં કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છત્તો થાય છે. એમને મન વાંસળી વગાડવી ખુબ સહેલી છે, પણ એમને, ગોપીઓને ખબર નથી, કે વાંસળી વગાડી લેવી સહેલી હશે પણ વાંસળી વગાડીને કોઈના હૃદયમાં સ્થાન પામવું ખુબ જ અઘરું છે.
આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
– સુરેશ દલાલ
વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !
છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ
મારા અંતરની છાનેરી લાગણી !
– સુરેશ દલાલ
અહીંયા પણ કવિ શ્રી ગોપીઓનો પક્ષ લઇ કાવ્ય રચના કરે છે. વાંસળીને જેટલો પ્રેમ અને ઓળખ કૃષ્ણના કારણે મળેલ છે એટલા જ અવનવા રૂપ લોકો એ વાંસળીને આપ્યા છે. કોઈકને રૂડી અને રંગીલી લાગે છે તો કોઈકને વરણાગી લાગે છે, છતાંય વાંસળી સદાય અમર રહેશે.
Like this:
Like Loading...