lata hirani

મોરપીંછ

kefiyat jan 1

 

kefiyat jan 2

કૃષ્ણપંથીઓ માટે મોરપીંછનું એટલું જ મહત્વ છે જેટલું પ્રસાદમાં પંચામૃતનું મહત્વ છે. કૃષ્ણને તો જાણે એક મોરના પીંછમાંથી આખે આખા વડલા જેટલી છાંયા મળતી હશે. મોરપીંછ જોવામાં જેટલું રૂપાળું અડવામાં એટલું જ સુંવાળું. અને જ્યારે કાવ્યપંક્તિમાં મોરપીંછનો પ્રયોગ થાય ત્યારે પંક્તિઓ કાનલીલાથી સરકતી જ જાય અને કાવ્ય એટલું જ સુંદર રચાય જેટલું સુંવાળું મયુરપંખ.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌
રમેશ પારેખના ઉપરોક્ત કાવ્યમાં એક ગામડાની કન્યાને મોરપીંછ જોયા પછીજાણે સાક્ષાત પ્રભુના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થાય છે. શુકન શબ્દ અહીં અગત્યની ભૂમિકા ભજેવે છે, કોઈ પવિત્ર વસ્તુને જોતા જ જાણે નવે નવ ગ્રહ પોતપોતાના સાચા સોંગઠે ગોઠવાય, તેમ મોરપીંછ જોયા પછી ગોરીને શુકન થયાની અનુભૂતિ થાય છે.
લાગે છે કે કૃષ્ણભક્ત કવિ શ્રી સુરેશ દલાલ ક્યારેય કૃષ્ણ સંબોધિત કાવ્ય લખતા નહીં હોય, એ એમની સહજ ભક્તિથી લખાઈ જતી હશે. બાળક નાદાન હોય છે એટલે જ એનામાં દિવ્યતા હોય છે. સુરેશ દલાલના શબ્દોમાં પણ એવી જ નાદાન ભક્તિ છે જેની દિવ્યતા એમનાં શબ્દોમાં વ્યક્ત થાય છે. કવિ શ્રી સુરેશ દલાલ શ્યામની કમજોરી જાણી ગયા છે, એમને ખબર છે જો શ્યામને નિરખવા હશે તો શ્યામની નીંદરનો સમય ઉત્તમ છે, અને જો શ્યામને મોરપીંછની છાંય મળે તો તેઓ ગાઢ નિંદ્રામાં આવી જાય. એટલે એમના કાવ્યમાં કવિ શ્રી સુરેશ દલાલ શ્યામને અરજ કરે છે કે આપ મોરપીંછને રજાઈ ઓઢીને તમે સુઈ જાઓ, એમની ભક્તિમાં પણ લાલચ છે. પરંતુ અહીં મોરપીંછનો મહિમા અમર થઈ જાય

મોરપીંછની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….
મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

– સુરેશ દલાલ
કૃષ્ણ જ્યારે ગોકુલ છોડીને મથુરા જતા હોય છે ત્યારે કૃષ્ણના એક એક ડગલે ગોપીઓ હોય કે ગોવાળિયાઓ હોય, અરે .ગોકુળની રજે રજનો  શ્વાસ રૂંધાતો જાય છે. રાધા તો જાણે અસહ્ય વેદનાથી બધીયે આશા છોડી દે છે અને એમની વિરહના આરોપી કૃષ્ણને જ ગણે છે છતાંય ક્યાંક એવાં સમાચાર મળે છે કે કૃષ્ણનો સંદેશો લઈને મિત્ર ઉદ્ધવ ગોકુળ આવવાના છે તો એમને કાવ્ય થકી એક અરજ કરે છે કે આપ ન આવો તો કંઈ નહીં પણ આપનું મોરપીંછ જરૂર મોકલવજો. મોરપીંછની કેટલી મહત્તા છે કે એ કૃષ્ણની ગરજ સારે છે, કયાંક રાધાના મનમાં એ પણ હોઈ શકે કે કૃષ્ણને મોરપીંછ અતિપ્રિય છે તો કદાચ તેઓ મોરપીંછ ન મોકલે અને કૃષ્ણ પોતે પણ આવી શકે. પ્રેમમાં આવી રમત તો સહજ છે. કવિ શ્રી હરીન્દ્ર દવેની કવિતા આવું જ કંઈક સૂચન કરે છે.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

કૃષ્ણ નામમાં જ એક અપાર પ્રેમ છે અને પ્રેમ હોય ત્યાં શબ્દે શબ્દે કવિતા રચાય. મોરપીંછ એ જાણે કૃષ્ણનું એક અભિન્ન અંગ સમાન છે. કૃષ્ણની લગભગ દરેક કાવ્ય કે ગીતમાં મોરપીંછનો ઉલ્લેખ તો હોય જ અને જો ના હોય તો એ કૃષ્ણનું કાવ્ય ન હોય. મોરના એવાં તે કેવા પુણ્ય હશે કે એના પંખને પુરુષોત્તમ કૃષ્ણ થકી આટલો સ્નેહ અને માન મળે છે.

અહીંયા કવિ શ્રી ઉશનસની ખૂબ સુંદર કલ્પના છે જ્યાં તેમણે કૃષ્ણની બંને પ્રિય વસ્તુઓ વાંસળી અને મોરપીંછને એક કરીને વર્ણવી છે.
તેઓ મોરપીંછને સૂરનું વિશેષણ આપીને કાવ્યમાં એક વિશેષ સ્થાન આપે છે..આખું કાવ્ય તો કૃષ્ણની વાંસળીને સંબોધીને છે છતાંય ત્યાં મોરપીંછને સ્થાન આપીને દર્શાવે છે કે કૃષ્ણના વ્યક્તિત્વમાં મોરપીંછનું સ્થાન કેટલું અનેરું છે.
સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંક્યું
વેગળી કરે છે તોયે વાગે છે મોરલી
એકલીય માધવની રાગી ! …
– ઉશનસ

 

હાંસિયાની કિંમત વેપારી જ જાણે, કારણકે, ત્યાં જ તારીખ લખાય છે.

hansiya ni kimmat

હાંસિયાની
કિંમત વેપારી જ જાણે,
કારણકે, ત્યાં જ તારીખ લખાય છે.

                                            – મૌલિક “વિચાર”