મધુવન
તો માધવ છે ક્યાં?
માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત હશે પણ માધવનું સ્મિત નથી.
ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી છે. એમની ગાગર જ હવે નક્કર થઈ ગઈ છે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી છે. કાલિંદીનું જળ પણ હવે ખારાશ પકડે છે. કારણ માધવ ક્યાંય નથી મધુવનમાં..
માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મુકવા જેવી બાબત. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ એ મા-ધવ કહેવાતા હશે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય.
માધવનું જીવન એટલે જવાબદારીનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા વચનો પણ નિભાવ્યા છે અને આ જન્મમાં અનેક સંબંધો.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, અંતર દ્રષ્ટિની. કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે પણ વિરહની વેદના પણ આપે છે.
કવિ શ્રી હરીન્દ્ર દવે રચાયિત આ ગીત દર્શાવે છે કે, કૃષ્ણની ગેરહાજરી સર્વેને કેટલી સાલે છે.
ફૂલ અને ભમરા આમ તો એકબીજાની સાથે પ્રેમભરી ગોષ્ઠી કરવા માટે પ્રચલિત છે, ક્યારેય યમુનાના નદી પરથી આવતો ઠંડો પવન એકલો નથી આવ્યો, હંમેશા સંગાથે વાંસળીના સૂરોની મીઠાશ પણ લાવ્યો છે. પણ આજે એ વાયરો પણ માંદો પડ્યો છે ત્યારે ફૂલ અને ભમરા પણ માધવ ક્યાંય નથી મધુવનમાંનું દુઃખ વ્યક્ત કરે છે. ગોકુળની રજ હોય કે યમુનાનો કિનારો, મધુવનના ફૂલ હોય કે એ ફૂલને ચૂસવા તલપાપડ થતો ભમરો, લીલીછમ હોય કે સુકાઈ ગયેલી ડાળખીઓ, ગોપીઓ હોય કે ગોપાલકો, નંદ મહારાજ હોય કે જશોદા મા સર્વેને આજે જાણે પોતાનો શ્વાસ રૂંધાતો હોય તેમ લાગે છે.
તો માધવ છે ક્યાં?
મૌલિક “વિચાર”