કેફિયત

તો માધવ છે ક્યાં?

April-May 2018_Page_29April-May 2018_Page_30માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત હશે પણ માધવનું સ્મિત નથી.
ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી છે. એમની ગાગર જ હવે નક્કર થઈ ગઈ છે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી છે. કાલિંદીનું જળ પણ હવે ખારાશ પકડે છે. કારણ માધવ ક્યાંય નથી મધુવનમાં..
માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મુકવા જેવી બાબત. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ એ મા-ધવ કહેવાતા હશે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય.
માધવનું જીવન એટલે જવાબદારીનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા વચનો પણ નિભાવ્યા છે અને આ જન્મમાં અનેક સંબંધો.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, અંતર દ્રષ્ટિની. કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે પણ વિરહની વેદના પણ આપે છે.
કવિ શ્રી હરીન્દ્ર દવે રચાયિત આ ગીત દર્શાવે છે કે, કૃષ્ણની ગેરહાજરી સર્વેને કેટલી સાલે છે.
ફૂલ અને ભમરા આમ તો એકબીજાની સાથે પ્રેમભરી ગોષ્ઠી કરવા માટે પ્રચલિત છે, ક્યારેય યમુનાના નદી પરથી આવતો ઠંડો પવન એકલો નથી આવ્યો, હંમેશા સંગાથે વાંસળીના સૂરોની મીઠાશ પણ લાવ્યો છે. પણ આજે એ વાયરો પણ માંદો પડ્યો છે ત્યારે ફૂલ અને ભમરા પણ માધવ ક્યાંય નથી મધુવનમાંનું દુઃખ વ્યક્ત કરે છે. ગોકુળની રજ હોય કે યમુનાનો કિનારો, મધુવનના ફૂલ હોય કે એ ફૂલને ચૂસવા તલપાપડ થતો ભમરો, લીલીછમ હોય કે સુકાઈ ગયેલી ડાળખીઓ, ગોપીઓ હોય કે ગોપાલકો, નંદ મહારાજ હોય કે જશોદા મા સર્વેને આજે જાણે પોતાનો શ્વાસ રૂંધાતો હોય તેમ લાગે છે.
તો માધવ છે ક્યાં?
મૌલિક “વિચાર”

વાંસળી

feb-march 2018_Page_28

feb-march 2018_Page_29
વાંસળી એટલે માત્ર વાજિંત્ર જ નહીં પરંતુ વાસંતીને સૂર વડે આપેલ વાયરાનો ધબકાર અને એ ધબકારનો નિમિત્ત કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. માણસ પોતાની ઓળખ ઊભી કરવા માટે જાતભાતના વસ્ત્રો, શૃંગાર અને વિધવિધ વસ્તુઓનો સહારો લે છે, પરંતુ કૃષ્ણ સાથે જોડાઈને ઘણી વસ્તુઓને અલગ ઓળખ મળી છે. મોરપીંછ જે માત્ર એક પંખીના પીંછા જ નથી પણ એક અમર પવિત્ર પ્રસાદ છે, કૃષ્ણ થકી પિતાંબરને નવી ઓળખ મળે છે. તેવી જ રીતે અનેક વાજિંત્રોની વચ્ચે વાંસળીનું મહત્વ કંઈક અનોખું જ છે. અને એનું કારણ છે કે કૃષ્ણના શ્વાસની સૌથી નજીક છે. હજી વધારીને કહીયે તો કૃષ્ણના શ્વાસને ગાતા કરે છે. કૃષ્ણ પર કાવ્ય રચી જ ન શકાય કારણકે, કૃષ્ણ પોતે જ એક કાવ્ય છે. એમનું જીવન જ લયબદ્ધ પંક્તિઓ છે. કૃષ્ણ એ ગોકુળમાં કરેલ અનેક લીલાઓથી ગોવાસીઓની આંખો રાતી કરી છે. અને એ જ ગોકુળમાં વાંસળી થકી લોકોના હૃદય ડોલાવી આનંદની પણ પેલે પાર લઈ ગયેલ છે..

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
– નરસિંહ મહેતા

કૃષ્ણના વ્યક્તિત્વને ઓળખવું જેટલું અઘરું છે, એટલું જ સહેલું છે એમનું દિલ જીતવું. બસ, તમારે નાદાન બનવું પડે.. જે નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવા એમનાં ઘણા ભક્તો સારી પેઠે જાણી ગયેલ. અને એમની કૃષ્ણ ભક્તિથી જ અનેક કાવ્ય રચનાઓ સહજ ઉદ્દભવી છે. કૃષ્ણ પણ સારી પેઠે જાણે છે કે એમનાં ભક્તોને પ્રેમથી કંઈ રીતે સતાવવા. વાંસળી તો તેમનું લોકોના હૃદયમાં વસવા માટેનું હથિયાર છે. ગોપીઓ આમ તો ફરિયાદ કરે છે છતાંય કૃષ્ણ એમને વાંસળી થકી ફરી ફરીને યાદ કરે એ ગોપીઓને ખુબ ગમે છે. એમની ફરિયાદ પણ એક આવકારો છે. આખાય ગીતમાં ભક્ત નરસિંહ મહેતા એ વાંસળીને નિમિત્ત બનાવી છે અને સાચે જ વાંસળી કૃષ્ણની કેટલી નજીક હશે કે એ અમર થઇ ગઈ.
આવો જ ભાવ કવિ શ્રી બાલમુકુંદ દવે કંઈક માદકતાથી વર્ણવે છે, કૃષ્ણના સંદર્ભમાં કોઈ પણ ક્રીડાનું વર્ણન કરો, એનામાં ખુબ જ પવિત્રતા અને સાત્વિકતાનો અહેસાસ થાય. કવિને અહીંયા કોયલના પંચમ સૂર કરતા વાંસળીના સૂર છાતીએ ભટકાય છે અને સ્તનયુગલને જાણે પ્રેમનો સ્પર્શ થતો હોય એવી અનુભૂતિ કરાવે છે.
કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર
-બાલમુકુંદ દવે

કવિ અહીં વિચારની પરાકાષ્ઠાએ પહોંચીને અધમુઆ થયેલ સૂરની વેદનાને વ્યક્ત કરે છે, જે સૂરનો જનેતા વાંસળીથી ક્યાંક તો હોઠ દૂર કરે છે અને અને સૂરને પણ કૃષ્ણથી અળગા થવું નથી. કવિ શ્રી વાંસળી અને સૂરને કૃષ્ણની કેટલી નજીક વર્ણવે છે આ પંક્તિમાં,

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?
– હરીન્દ્ર દવે

કૃષ્ણની વાત કરતાં હોઈએ, મોરપીંછ અને વાંસળીની વાત કરતાં હોઈએ અને આપણે કૃષ્ણના પરમ ભક્ત કવિ શ્રી સુરેશ દલાલને યાદ ન કરીયે તો આપણી પણ કૃષ્ણ કેફિયત અધૂરી રહે.
કવિ શ્રી સુરેશ દલાલના કાવ્યોમાં એવો તો લય હોય છે કે કાવ્ય અને ગીતમાં કોઈ ભેદ રહે જ નહિ, સંગીતકારોને પણ સંગીતની રચના કરવામાં જરાક પણ અઘરું ન લાગે. સુરેશ દલાલ લેખિત લગભગ દરેક કાવ્યો સંગીતબદ્ધ થયા છે. ગોપીઓના મહેણાંમાં કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છત્તો થાય છે. એમને મન વાંસળી વગાડવી ખુબ સહેલી છે, પણ એમને, ગોપીઓને ખબર નથી, કે વાંસળી વગાડી લેવી સહેલી હશે પણ વાંસળી વગાડીને કોઈના હૃદયમાં સ્થાન પામવું ખુબ જ અઘરું છે.

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
– સુરેશ દલાલ

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !
છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ
મારા અંતરની છાનેરી લાગણી !
– સુરેશ દલાલ
અહીંયા પણ કવિ શ્રી ગોપીઓનો પક્ષ લઇ કાવ્ય રચના કરે છે. વાંસળીને જેટલો પ્રેમ અને ઓળખ કૃષ્ણના કારણે મળેલ છે એટલા જ અવનવા રૂપ લોકો એ વાંસળીને આપ્યા છે. કોઈકને રૂડી અને રંગીલી લાગે છે તો કોઈકને વરણાગી લાગે છે, છતાંય વાંસળી સદાય અમર રહેશે.

મોરપીંછ

kefiyat jan 1

 

kefiyat jan 2

કૃષ્ણપંથીઓ માટે મોરપીંછનું એટલું જ મહત્વ છે જેટલું પ્રસાદમાં પંચામૃતનું મહત્વ છે. કૃષ્ણને તો જાણે એક મોરના પીંછમાંથી આખે આખા વડલા જેટલી છાંયા મળતી હશે. મોરપીંછ જોવામાં જેટલું રૂપાળું અડવામાં એટલું જ સુંવાળું. અને જ્યારે કાવ્યપંક્તિમાં મોરપીંછનો પ્રયોગ થાય ત્યારે પંક્તિઓ કાનલીલાથી સરકતી જ જાય અને કાવ્ય એટલું જ સુંદર રચાય જેટલું સુંવાળું મયુરપંખ.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌
રમેશ પારેખના ઉપરોક્ત કાવ્યમાં એક ગામડાની કન્યાને મોરપીંછ જોયા પછીજાણે સાક્ષાત પ્રભુના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થાય છે. શુકન શબ્દ અહીં અગત્યની ભૂમિકા ભજેવે છે, કોઈ પવિત્ર વસ્તુને જોતા જ જાણે નવે નવ ગ્રહ પોતપોતાના સાચા સોંગઠે ગોઠવાય, તેમ મોરપીંછ જોયા પછી ગોરીને શુકન થયાની અનુભૂતિ થાય છે.
લાગે છે કે કૃષ્ણભક્ત કવિ શ્રી સુરેશ દલાલ ક્યારેય કૃષ્ણ સંબોધિત કાવ્ય લખતા નહીં હોય, એ એમની સહજ ભક્તિથી લખાઈ જતી હશે. બાળક નાદાન હોય છે એટલે જ એનામાં દિવ્યતા હોય છે. સુરેશ દલાલના શબ્દોમાં પણ એવી જ નાદાન ભક્તિ છે જેની દિવ્યતા એમનાં શબ્દોમાં વ્યક્ત થાય છે. કવિ શ્રી સુરેશ દલાલ શ્યામની કમજોરી જાણી ગયા છે, એમને ખબર છે જો શ્યામને નિરખવા હશે તો શ્યામની નીંદરનો સમય ઉત્તમ છે, અને જો શ્યામને મોરપીંછની છાંય મળે તો તેઓ ગાઢ નિંદ્રામાં આવી જાય. એટલે એમના કાવ્યમાં કવિ શ્રી સુરેશ દલાલ શ્યામને અરજ કરે છે કે આપ મોરપીંછને રજાઈ ઓઢીને તમે સુઈ જાઓ, એમની ભક્તિમાં પણ લાલચ છે. પરંતુ અહીં મોરપીંછનો મહિમા અમર થઈ જાય

મોરપીંછની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….
મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

– સુરેશ દલાલ
કૃષ્ણ જ્યારે ગોકુલ છોડીને મથુરા જતા હોય છે ત્યારે કૃષ્ણના એક એક ડગલે ગોપીઓ હોય કે ગોવાળિયાઓ હોય, અરે .ગોકુળની રજે રજનો  શ્વાસ રૂંધાતો જાય છે. રાધા તો જાણે અસહ્ય વેદનાથી બધીયે આશા છોડી દે છે અને એમની વિરહના આરોપી કૃષ્ણને જ ગણે છે છતાંય ક્યાંક એવાં સમાચાર મળે છે કે કૃષ્ણનો સંદેશો લઈને મિત્ર ઉદ્ધવ ગોકુળ આવવાના છે તો એમને કાવ્ય થકી એક અરજ કરે છે કે આપ ન આવો તો કંઈ નહીં પણ આપનું મોરપીંછ જરૂર મોકલવજો. મોરપીંછની કેટલી મહત્તા છે કે એ કૃષ્ણની ગરજ સારે છે, કયાંક રાધાના મનમાં એ પણ હોઈ શકે કે કૃષ્ણને મોરપીંછ અતિપ્રિય છે તો કદાચ તેઓ મોરપીંછ ન મોકલે અને કૃષ્ણ પોતે પણ આવી શકે. પ્રેમમાં આવી રમત તો સહજ છે. કવિ શ્રી હરીન્દ્ર દવેની કવિતા આવું જ કંઈક સૂચન કરે છે.
ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે
ન વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,
આજ હવે છૂટાં તરણાં ય નથી હાથવગાં
એકઠાં કરી જે બાંધ્યું ઘર,
ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો
બીજી કોઇ ન કરું આશ.

– હરીન્દ્ર દવે

કૃષ્ણ નામમાં જ એક અપાર પ્રેમ છે અને પ્રેમ હોય ત્યાં શબ્દે શબ્દે કવિતા રચાય. મોરપીંછ એ જાણે કૃષ્ણનું એક અભિન્ન અંગ સમાન છે. કૃષ્ણની લગભગ દરેક કાવ્ય કે ગીતમાં મોરપીંછનો ઉલ્લેખ તો હોય જ અને જો ના હોય તો એ કૃષ્ણનું કાવ્ય ન હોય. મોરના એવાં તે કેવા પુણ્ય હશે કે એના પંખને પુરુષોત્તમ કૃષ્ણ થકી આટલો સ્નેહ અને માન મળે છે.

અહીંયા કવિ શ્રી ઉશનસની ખૂબ સુંદર કલ્પના છે જ્યાં તેમણે કૃષ્ણની બંને પ્રિય વસ્તુઓ વાંસળી અને મોરપીંછને એક કરીને વર્ણવી છે.
તેઓ મોરપીંછને સૂરનું વિશેષણ આપીને કાવ્યમાં એક વિશેષ સ્થાન આપે છે..આખું કાવ્ય તો કૃષ્ણની વાંસળીને સંબોધીને છે છતાંય ત્યાં મોરપીંછને સ્થાન આપીને દર્શાવે છે કે કૃષ્ણના વ્યક્તિત્વમાં મોરપીંછનું સ્થાન કેટલું અનેરું છે.
સાત સાત સૂરોનું ગૂંથેલું મોરપીંછ
જેવું જરાક નમી ઝૂક્યું
પ્રેમને જરાક પાન આખુંય સામ ગાન
વેધ વેધ વેદ જેમ ફૂંક્યું
વેગળી કરે છે તોયે વાગે છે મોરલી
એકલીય માધવની રાગી ! …
– ઉશનસ

 

કેફિયત – દીવો, દીપક, દીપ

vicharyatra-12_page_29vicharyatra-12_page_30

                    કેફિયત – દીવો, દીપક, દીપ

દીવો, દીપક, દીપ, જ્યોત આવાં શબ્દમાં જ આંતરિક ઉજાસ છે. લગભગ દરેક ધર્મમાં દીપ કે જ્યોત પ્રગટાવવાનો રિવાજ હોય છે. દીપ પ્રાગટ્યમાં દૈવીય શક્તિ તો રહેલી જ છે સાથે સાથે હકારનો અનુભવ પણ છે. આવા દીવો, દીપક, દીપ, જ્યોત જેવાં કુદરતી શબ્દના વપરાશ માત્રથી કવિતા ગઝલ જળહળી ઊઠે છે. આ એક શબ્દના પ્રયોગથી પંક્તિઓના દરેક પ્રાસમાં ઉજાશ ફેલાઈ જાય છે. જ્યોત જેમ નૃત્ય કરે તેમ કાવ્ય/ગઝલ ઊર્મિઓ બની થનગનવા લાગે છે. એટલે જ ઘણાં કવિ/ગઝલકારો આ દીવો, દીપક, દીપ, જ્યોત શબ્દ પ્રયોગ ખુબ માનવંતો રહ્યો છે.
મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા
– અવિનાશ વ્યાસ.
સુર અને શબ્દોના અવિનાશી શ્રી અવિનાશ વ્યાસ લેખિત અને ગૌરાંગ વ્યાસ દ્વારા સ્વરબધ્ધ કરાયેલ પારકી થાપણ ફિલ્મની અમર ગીત રચના “પૂછો તો ખરા”માં કવિ અવિનાશ વ્યાસ મનને મંદિર બનાવીને પ્રિયતમા એનાં રંગરસીયા પ્રીતમને દેવ માને છે અને આ ભાંગી રહેલા સંબંધને અજવાળવા આશાના દીવા પ્રગટાવે છે ક્યાંક એ વિખરાઈ અને આછા પડી ગયેલ સપનાઓ પાછા જળહળીત થાય.
ખલીલ ધનતેજવીની લગભગ દર પાંચ ગઝલે એક ગઝલમાં દિવા અને પવનની જુગલબંધીની વાત હોય છે.

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,

મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
~
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી

સાચ્ચે જ..મિત્રો જ નહીં પણ ઘણા લેખકોએ ખલીલ ધનતેજવીના પ્રકાશિત શબ્દોથી જ પ્રોત્સાહિત થઇને પોતાની લખવાની દુકાન ચાલુ કરી છે. પણ શબ્દોમાં સચોટ એવા ખલીલ ધનતેજવીની ગઝલમાં અંધારું તો હોય છે પણ શબ્દનો ચાંદ અને વિચારનો સૂરજ હંમેશા ઝળહળતો હોય છે,
સૂરજનો પર્યાય શોધવો અશક્ય છે પણ કવયિત્રી દિવ્યા રાજેશ મોદી લાગ જોઈને જ બેઠી છે કે સ્થિતિ ક્યાંય નબળી થાય અને અશક્યને પણ શક્ય બનાવી દઈએ.
અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?
સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !
– દિવ્યા રાજેશ મોદી
ભાગ્યે જ કોઈ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ એવો હોય જ્યાં અંકિત ત્રિવેદીની શબ્દવર્ષા મોજ બનીને ના વરસતી હોય, અંધારી કોઠડીની અંદર ખુદાની બંદગી કરી ખુદની ખોજ કરતા માણસને પોતાની નજીક લઇ જતી આ પંક્તિ જે લીપી ગુજરાતી પણ ઢબ અને વાણી રાજસ્થાની અને અદા એજ અંકિત ત્રિવેદીની જેમાં કવિ કહે છે કે,

તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
– અંકિત ત્રિવેદી

એક કવિ ભીતરમાં રહેલા રામને જગાડી જીવતરનો દીવડો પ્રગટાવાની વાત કરે છે તો કવિ “કાન્ત” ભીતરમાં ભક્તિનો દીવો પ્રગટાવી રામને પ્રગટ થવા વિનંતી કરે છે.
મારે ભીતર દીવો જલે ,
કે ,રામ તમે પ્રગટો !
મારા પ્રાણમાં પળે પળે ,
કે, રામ તમે પ્રગટો !
         -‘કાન્ત’
પ્રકૃતિના કવિ શ્રી રવીન્દ્ર પારેખને પ્રિયતમાની આંખમાં જ જ્યોતિ દેખાય છે, એને આજીજી કરે છે કે દીવો સહેજ નજીક લઈ આવ તું પણ એમને તો આંખમાં સમાયેલ તેજ સ્પર્શથી પારખવું છે એટલે જ એ દીવાને સહેજ નજીક લાવવાની અરજી કરી પ્રિયતમાને જ નજીક બોલાવે છે અને કહે છે કે,

એક દીવો હાથમાં લઇ આવ તું, 
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.
 – રવીન્દ્ર પારેખ
એ જ કવિ એમના બીજા કાવ્યમાં એ  પોતે જ દીવો છે અને એમના અનુભવના ઉજાસે એમનો આધાર લઈને જીવવાની ખુલ્લા દિલની વાત કરે છે અને કહે છે,

હું છું દીવો –

લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો…
– રવીન્દ્ર પારેખ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
– રમેશ પારેખ

દરેક શૈલીમાં લખનાર કવિ રમેશ પારેખ પણ એક સંઘર્ષ કરતા વ્યક્તિની જાતને દિવા સાથે સરખાવતાં ખુબ સરસ અછાંદસ કાવ્ય આપે છે. આપણી આસપાસનો અંધકાર કે ઉજાસ એ આપણી વિચારશરણી છે એટલે કવિ કવિ હકાર દ્રશ્ય વર્ણવતા કહે છે કે જે વ્યક્તિ છાતી કાઢીને જીવે છે એ એનાં આસપાસ પોતાના અને બીજાના માટે ઉજાસ જ ફેલાવે છે, અંધકારને ક્યાંય દળીને ધૂળ બનાવી દે છે.

મૌલિક “વિચાર”

કેફિયત – “ઉદાસ”

August 2016_Page_36August 2016_Page_37

 

“ઉદાસ” શબ્દ જ ગઝલોના શબ્દપ્રયોગોનો દાસ છે. ઉદાસ શબ્દથી જ ગઝલમાં કંઈક ભીનાશ આવી જાય છે. કોઈક કવિને એની પ્રેમિકાના વિરહથી રાત ઉદાસ લાગે છે તો એક બાપને એની દીકરીની વિદાયથી આંગણું ઉદાસ લાગે છે..કોઈક વિચારકને વૈશાખે ચઢેલી મૌસમ ઉદાસ લાગે છે તો કોઈકને પંખીના ટહુકા ઉદાસ લાગે છે. કોઈકને નેહ નીતરતી વ્હાલમની હાજરી ઉદાસ લાગે છે તો રાધાના વિરહમાં કાનુડાની વાંસળીના સૂર ઉદાસ છે. ફકીરે એનાં કપરાં સમયમાં ખુદને પાડેલી હાંક ઉદાસ લાગે છે.
ઉદાસ સ્થિતિમાં વિચારો મન ઊપર દાસ બનીને રાજ કરે છે. ભર ઉજાસે પાંપણના પૉપચે જો અંધકાર અનુભવાય તો સમજવું કે મન ઉદાસ છે.

શબ્દ અને પરિસ્થિતિથી રંગોળી પૂરી કાવ્ય/ગઝલ રચવામાં પારંગત એવા શોભિત દેસાઈ એક ખુબ જ ગમગીન ગઝલ આપે છે, “બહુ ઉદાસ છે રાત” ગઝલનો રદીફ જ આખી ગઝલની જુબાની આપી દે છે,એ કહે છે કે,

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
                   – શોભિત દેસાઈ
પ્રકૃતિ સાથે મેળ કરીને કવિ એમની ઉદાસ રાતોનું બખૂબી વર્ણન કરે છે, ક્યાંય એમની કોયલના ટહુકાં નથી સંભળાતા એમને કે ના તો એમના દોસ્તની સુવાસ અનુભવાતી. દોસ્ત એટલે?? રાત ઉદાસ કરી શકે એ તો કવિનો કોઈક ખાસ દોસ્ત જ હશે!
એવા જ વિરહના એક કાયદા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્મા કહે છે કે,

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા

સૂરજ હંમેશા તખમખતો જ હોય છે, એની લાલાશને પણ આજે આ ઉદાસી ચુનૌતી આપે છે અને આજે આ સાંજને પણ તારા વિના માઠું લાગ્યું છે અને ડૂસકાં ભરે છે.
ઉદાસ શબ્દથી ક્યાંક કોઈક કવિની રાત ઉદાસ થાય છે તો કોઈકની સાંજ ડૂસકાં ભરે છે. સાચેજ આ શબ્દ “ઉદાસ” ગઝલનો દાસ છે.

મૃત શબ્દોને પણ પોતાની કલમથી અમૃત પાઈને  અમર કરી શકનાર શાયર અમૃત ઘાયલ લખે છે કે,

કસુંબલ આંખડીના  આ કસબની વાત શી કરવી?
કલેજું   કોતરી  નાજુક  મીનાકારી  કરી  લીધી.
મઝાની  ચાંદનીમાં   નોતરી  બેઠા ઉદાસીને,
અમે  હાથે  કરીને   રાત અંધારી  કરી  લીધી.
– અમૃત ઘાયલ.

ભર જવાનીએ ઘવાયેલા કાળજા પર લાગેલા ઘાવને મીનાકારી સાથે સરખાવતાં કવિ મોજના દિવસોમાં ક્યાંક પ્રેમના પડછાયાને ભટકાયા અને ઉદાસીને નોતરું આપી બેઠાં છે. એજ કવિ એમની એક ગઝલનું જન્મતા પહેલાં જ મૃત્યુ થયું હોય તેવી રજૂઆત થયા વગરની ગઝલ માટેની લાગણી વ્યક્ત કરતાં કહે છે કે,

એક મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં,
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર.
– અમૃત ઘાયલ.

“ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમના..” અને “સરકી જાય આ પળ..” જેવા લયબદ્ધ ગીતો આપનાર કવિ શ્રી મણિલાલ દેસાઈ પણ ઉદાસ પળને એમની કાવ્ય પંક્તિમાં ટાંકવાનો અવસર ઝીલે છે, ઉદાસીને પણ ઋતુઓની અસર વર્ણવતા કવિ લખે છે કે,

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીના
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો
– મણિલાલ દેસાઈ

મરીઝ સાહેબે ગુજરાતી સાહિત્યને અનેક ચિરંજીવી ગઝલો આપી છે, શબ્દો થકી કબરમાં ફેલાયેલી ઉદાસીનતા જો કોઈ મહેસુસ કરાવી શકે તો તે મરીઝ સાહેબના જ શબ્દો હોય..
મોત પછી પણ ક્યાં આરામ છે!
સદ્દગતિ કબરમાં ક્યાંથી શોધશો?
આ શેરમાં મરીઝસાહેબ કહે છે કે, સજ્જનની કબર હોય કે ગુનેગારની બધેય ઉદાસી તો સરખી જ વ્યાપેલી છે.

અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે
સુજનની કબર કે ગુનેગારની હો
છે સરખી ઉદાસી મઝારે મઝારે
– મરીઝ

કવિ શ્રી સુરેશ દલાલ દીકરી વિદાયની પળને ખુબ ગમગીન શબ્દોમાં વર્ણવે છે, સ્વાભાવિક છે એ સમય બાપની વ્યથા બાપ જ જાણે. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સંગીતબદ્ધ થયેલ આ ગીતમાં કવિ કહે છે કે જે આંગણે દીકરી નદી પર્વત અને થપ્પો રમતી હતી અને જે દીવાલો એની સાથીદારો હતી એ ભીંતો આજે ઉદાસ છે અને એમના ઉદાસ આંસુઓ છલકાય છે..કે જે સખી કાલે પાપા પગલી કરીને અમારી સાથે રમતી હતી આજે તે તેનાં ગમતા આકાશ પાસે ઉડી ગઈ..

દીકરી ગુંજતી ઘરની દીવાલો,
થશે મૂંગી ને મૌન એનું ખુંચશે
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે
પણ આંસુઓ છલકે ઉદાસ રે..
– સુરેશ દલાલ

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો
અમૃતમાં જે મિલાવ્યો ઉદાસીનો રંગ છે
– હરીન્દ્ર દવે

કેફિયત “સેજ”

kefiyat sejkefiyat sej 2

કોરા કાગળની પથારી કરી શબ્દોથી શણગારવા માટેનો ખુબ જ ભાવસભર અને કવિઓનો પ્રિય શબ્દ હોય તો તે  “સેજ” છે. પ્રણયની પ્રથા હોય કે બેવફાઈની કથા.જીવવાનો આનંદ હોય કે મૃત્યુનો ખોફ, વાજતે ગાજતે ક્યાંક તો લાંબા થવાનું જ છે. આ જીવન મુસાફરીમાં કૈક કેટલાં અનુભવો લીધાં છે અને  લેવાનાં છે. સંબંધોમાં સોનેરી સવાર પણ આવે છે અને અંધારી રાત પણ આવે છે, સુંવાળી રેત પણ છે અને કાંટાળી સેજ પણ છે. આ બધી લાગણીઓ જ્યારે અનુભવાય ત્યારે કવિઓની કલમો રફ્તાર લે.

“સેજ” શબ્દ લાગે છે બહુ નાજુક પણ મુખ્યત્વે કવિઓ આ “સેજ” શબ્દનું સગપણ કાંટા સાથે જ કરે છે. કવિપ્રિયતા એવી છે આ શબ્દ માટે. કેમકે કાવ્યના દરેક પ્રકાર અને પ્રસંગમાં આ શબ્દ લાગણીઓ દર્શાવવા માટે બંધબેસતો છે. ગઝલ હોય કે કાવ્ય, હાલરડું હોય કે ગીત બધે જ આ શબ્દને માળો મળી રહે છે.

ગઝલોના સિકંદર શેખાદમ આબુવાલા કહે છે,

સેજ કાંટાની મળી ત્યારથી હું, જોઉં છું રોજ ગુલાબી સપનાં
ઓ હકીકત હવે મંજૂર નથી, કોણ જીવે હવે માંગી સપનાં
   – શેખાદમ આબુવાલા

ઠાવકા અને શરાબી સપનાંની વાત કરતાં ગઝલકાર અહીંયા હંમેશાની જેમ સેજને કાંટાળી સેજ સાથે સરખાવે છે, સારાં સમય માટે બીજા ઘણાં પર્યાય મળે પણ કપરાં સમયે નિંદર રાણી પણ પિયરીયે નાસી જાય. શેખાદમ આબુવાલા હંમેશા ખુમારીભરી ગઝલો લખવામાં માહેર છે,

એક વિચાર એવો પણ છે જે કહે છે કે,

સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
કેટલી છુપાવી છતાં આંખો હજુ ભીની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
– મૌલિક વિચાર

અહીંયા બળતા દિલને બળતી જવાની સાથે સરખાવી કાંટાળી સેજ અને અગનજ્વાળા એમ બે ભાલા એક જુવાનની જવાનીને ચીરી નાખે છે અને એ વેદના કોને કહેવી એ પોતાની જાતને જ પૂછે છે. જવાની જીવાતી નથી અને ગુલાબી સપનાંની મૌસમ આવતી નથી એ એટલે કહે છે કે, ભીની આંખો ક્યાં સુધી સંતાડી રાખી છે, એવી જ ભેજવળી આંખ અને કાંટાળી સેજની વાત કવિ શ્રી ચીનુ મોદી (ઇર્શાદ) કહે છે કે,

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
– ચીનુ મોદી(ઇર્શાદ)

કવિ શ્રી ચીનુ મોદીનું “ઈશાર્દ” તખલ્લુસ મારો પ્રિય શબ્દોમાંનો એક છે કેમકે મને એ શબ્દમાં ઈશ (ઈશ્વર) નો સાદ સંભળાય છે, કદાચ એટલે જ એની સંધિ “ઈર્શાદ” થતી હશે. અને સાચે જ ગઝલોમાં મત્લા, મક્તા, રદીફના નિયમોને અવનવાં પ્રયોગો કરીને ચીનુ મોદી ખરેખર ઈશનો સાદ છે. એમને એમની ભીની આંખો ગઝલ લખવાનું કારણ લાગે છે અને કદાચ બીજું મુખ્ય કારણ એ પણ છે કે, શબ્દો કાંટાળી પથારી લાગે છે. શબ્દો મફત છે પણ કાંટાળી સેજરૂપી કિંમત ચૂકવે છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે,
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થઈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
– ગની દહીંવાલા
“દિવસો જુદાઈના જાય છે” જેવું અમર ગીત લખનાર કવિ શ્રી ગની દહીંવાલા સેજને પ્રણય સાધનોસભર અલંકૃત કરે છે. પરસેવાના પાણીને એક કદમ આગળ વિચારી કવિ કહે છે કે, લોહીનું પાણી કરીને ઉષાએ સૂરજના સોનેરી કિરણોથી મોતીની સેજો પાથરીને ઉપવનની યુવાની સજાવી છે. કુદરતની સજાવટ અહીં ગની દહીંવાલાની કલામથી નીતરે છે.

કદાચ આ જમાનામાં સરહદ પર રહેવાં કરતાં જીવનમાં હસવું એ કદાચ વધારે કપરું અને જીગરવાળું કામ છે, એવી જ એક અંગારને પણ ફૂલ જેટલાં કોમળ ગણી એને હસતાં ઝીલવાની વાત અહીં કરે છે.

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો ગયો…
     – જમિયત પંડ્યા ‘જિગર’

કવિ શ્રી હરીન્દ્ર દવેની આ ખૂબજ નાજુક પ્રેમભરી સ્થિતિને વર્ણવતી કવિ છે, સજની ભૂલ કબૂલતો કરે છે પણ છતાં પણ અંતરમાં નજીક છે અને એક જ સેજ પર છે છતાંય સાજનથી વિરહની વેદના દર્શાવે છે, એક જ પથારીમાં સુવા કરતાં બાલમના બાથમાં સમાઈને સુવાંની મહેચ્છા આ નજીક અંતર હોવા છતાંયે દૂરી અનુભવાય છે, એ ઉજાગરાની રાત એમનાં આ છંદમાં વ્યક્ત કરે છે,

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે અને ખીલે નહીં ફૂલ,
સેજ તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.
– હરીન્દ્ર દવે

માંનો ખોળો એટલે દુનિયાની સૌથી સુખદ અને સલામત જગ્યા.
એવી જ આપણી ધરતી માં પણ. આપણી માતૃભૂમિને કૂણાં ફૂલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ સરખાવી શકે,

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
– ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે…
– ઝવેરચંદ મેઘાણી

એવી જ એક દેશભક્તિની અનુવાદિત કવિતામાં યુદ્ધ મેદાને માર્યા ગયાં શહીદની ઝોળીને સુંવાળી શૈયા પર માતૃભૂમિના અમર સ્પર્શની વાત કરે છે.

મૌલિક “વિચાર”

કેફિયત – શમણું

“સ્વપ્ન” નિંદર રાણીનું સંતાન છે. સ્વપ્ન ઇચ્છાઓની નદી છે. ઈચ્છાઓ, મહેચ્છાઓ સતત વહેતી રહે છે અને ક્યાંક સ્વપ્નનું ઠેકાણું બની રાત ગુજારી લે છે. કવિ/ગઝલકારોનો ખુબ જ માનીતો શબ્દ એટલે “શમણું”. ગઝલ કવિતા લખવાના સપનાં જોતા જોતા જ સ્વપ્નનો શબ્દપ્રયોગ થઇ જતો હોય છે.
ગઝલકારોએ ગુલાબી સ્વપ્નમાં જીવીને પ્રેમના પડકારને સાર્થક કરવાની પણ વાત કરી છે અને સજાયેલા સપનાઓને વિખેરાઈને રાખ થવાની પણ વાતો પંક્તિઓમાં સર્જાય છે.

જો ગઝલ સર્જનની એક સદી કોઈકને નામ હોય તો તે નામ છે શેખાદમ આબુવાલા. “સ્વપ્ન”, “શમણું”, “સપના” આ બધાં શબ્દો એમની શબ્દ પસંદગીની પ્રથમ હરોળમાં આવે છે. એમને સ્વપ્નને ઘણાં જુદાં જુદાં રંગે રજુ કર્યા છે. એક પુસ્તક રચી શકાય એટલી ગઝલો એમની “સ્વપ્ન” શબ્દના શિર્ષક હેઠળ છે. એમના “સ્વપ્ન”ના શબ્દ પ્રયોગમાં હકારભાવ વધારે છલકાય છે. એમની એક ગઝલમાં સૂરજની રોશની ખરીદી લેવાંનું સ્વપ્ન છે. જે સ્વપ્ન ચાંદનીનું છે. ખરેખર જો સૂરજ જ ચાંદને રોશની આપતો હોય તો એ ચાંદની સૂરજને જ કેમ પર્યાપ્ત નથી?

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે.
                          – શેખાદમ આબુવાલા
 

“Monopoly” શબ્દનું જો સાચું દ્રષ્ટાંત આપવું હોય તો, સૂરજ અને ચાંદ આપી શકાય. આશમાની આકાશમાં આ બંનેની monopoly છે. જેના માટે એક સુંદર ગઝલમાં શેખાદમ કહે છે,

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનાને,
આકાશની લીલામાં તો શામેલ છે બન્ને.
                               – શેખાદમ આબુવાલા   

જયારે એ જ સપનાનો શાયર જવાનીને પણ માત આપતાં કહે છે કે…
તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાની નીંદર છું,
ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.

જયારે ઘણા રંગીન સ્વપ્નના શેરથી વિપરીત પણ એ જ ખુમારી સાથે કહે છે કે,
જિંદગીમાં જે નથી પુરુ થયું,
એ જ શમણું ખુબ નમણું હોય છે!
                       – શેખાદમ આબુવાલા

સ્વપ્નને બીજા ઘણાં શાયરોએ શાબ્દિક દ્રષ્ટિ આપી છે, આપણે તક મળ્યે માણતાં આવ્યા છીએ તેવાં શબ્દો અને વિચારોના રઈશ એવાં ડૉ રઈશ મનીયાર કહે છે કે,

શમણું ભલેને નભમા વિહરવાનું હોય છે,
આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે.     
                              – રઈશ મનીયાર

માનો કે ના માનો પણ, સ્વપ્ન પૂરું ન થાય તો જીવનમાં ક્ષણિક આંધી તો રહે જ છે. ને વળી શમણું સાકાર થતી રાહ પર એ વિખરવાનો ભય વધારે રહે છે. જેમાં શબ્દ સંગીતથી અમર થઇ ગયેલ ગુજરાતી કવિતા અને સુગમ સંગીતનું અવિનાશી નામ એટલે અવિનાશ વ્યાસ કહે છે કે,

પ્રેમનો અંજામ પણ આવો હશે, 
ના હતી ખબર,
દિલ દઇ દિલદાર પણ છોડી જશે,
ના હતી ખબર

આંખે આવી શમણાં 
ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા…
                                –  અવિનાશ વ્યાસ

આવી ન આવી એ સૂરત શમણે, 
ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી, મારા લાલ રે લોચનિયામાં..
                                    – અવિનાશ વ્યાસ

જો પ્રેમ થતાં પહેલાં જ આપણને  અંજામ ખબર હોય તો કેટલું સારું?! અહિયાં કવિ કહે છે કે, શમણા વિખરાય ત્યારે ઘાયલને કેવું થાય છે એ તો પૂછો? જયારે એ જ ભાવ એમની બીજી એક પંક્તિમાં રાતી આંખે વ્યક્ત થાય છે. કોઈક દિલ ઘાયલ કરી શમણાં વિખેરી જાય છે તો ક્યાંક પ્રિય ચહેરો શમણે આવી ખોવાઈ જાય છે.

ઈશનો સાદ એટલે ચિનુ મોદી “ઈર્શાદ”. શબ્દે શબ્દે ઈશ્વરનો સાદ અનુભવાય, ગઝલીયતમાં ખુમારી ટકાવી રાખવાની એમની કળા ખુબ સુપેરે છે,
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
જીવવા માટે બહાનું જોઈએ.
                  – ચિનુ મોદી

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને; પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો; આંખો બે આંસુ સ્વરૂપ,
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમાં
કે, ઠાલાં પાણીનો કોઈ કૂપ?
                        –  ચિનુ મોદી

લોકો સ્વપ્ન જોઈને સાકાર કરવા પાછળ દોડે અને આ કવિ જીવનને જ એક સ્વપ્ન કહે છે. જયારે બીજી પંક્તિમાં એ શમણાંને પંખીની જાત સાથે સરખાવે છે. જે શમણું ક્યારે આવીને ઉડી જાય કોને ખબર?

આવી ઘણી ગઝલ કવિતાઓ સ્વપ્ન અને શમણાંને માન આપીને લખાઈ છે, કૈલાસ પંડિત રચિત “દિકરો મારો લાડકવાયો” હાલરડામાં પણ શમણાંને કંઈક અલગ સ્થાન આપ્યું છે,

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે….
                                   – કૈલાસ પંડિત 

પોતાનું બાળક ઊંઘમાં મલકાય છે જાણે રાજકુમારી આવીને એની સાથે વાત કરતી હોય. બાળકને પણ સ્વપ્ન જોતાં શીખવાડવું પડતું નથી એ તો સહજ છે.

ઉજ્જડ વેરાન લાગ્યા ગલીઓના ચમકારા,
સૂનું રે થયું ફળીયું તમારા વિના..
શમણાંમાં આવ્યા તમે, નૃત્ય કરી ડોલાવ્યા મને,
પણ ધીમાં પગલે આમ તે ક્યાં ચાલ્યા ગયા કોઈ ઝણકાર વિના?!
                                 – મૌલિક “વિચાર”
અહિયાં સબંધમાં શ્વાસ નથી પણ શમણે એમની હાજરીનો વિશ્વાસ છે.

“શમણું” ખુબ જ અસરકારક છે અને એની અભિવ્યક્તિ પણ ઘણી બધી અલગ અલગ રીતે થઇ શકે છે. વેણુંભાઈ પુરોહિત પણ એક ગીતમાં લખે છે….
“તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો…”

આ ભાવ પ્રયોગ લગભગ બધા કવિઓએ ઘણી બધી અલગ અલગ રીતે કર્યો હશે. હરીન્દ્ર દવેની પણ એક પ્રખ્યાત કવિતા।…
“એક હસે, એક રડે,
આંખ બે આપસમાં ચડભડે.” માં શમણાંનો આ ભાવ ઊંડાણથી વ્યક્ત થયો છે.

kefiyat – 5

મનનાં આંગણે જયારે વિચારોની હોળી રમાય ત્યારે ભાત-ભાતની ઊર્મિઓ પ્રગટ થાય. રંગનાં રણમાં રચાતી રંગ શબ્દને અલગ અલગ રીતે રજૂ કરતી કેટકેટલી કવિતાઓ કવિઓ દ્વારા રચાયેલી છે.
કવિતાઓમાં વપરાયેલ કવિનાં રંગબેરંગી ભાવ એમનાં રંગીન મિજાજની ઓળખ અપાવતા હોય છે. રંગ શબ્દનાં લયકારામાં કવિઓએ બદલાતી ઋતુઓને અલગ અલગ રંગ સાથે સરખાયો છે, તો ક્યારેક બદલાતા સમયને, તડકા છાયાંને રંગ દ્વારા અભિવ્યક્ત કર્યો છે.  

વિચારોમાં બેફામ અને શબ્દોમાં ભારોભાર બરકત ધરાવતાં શાયર બેફામ સાહેબ
“સંગ તેવો રંગ” કહેવતથી તદ્દન વિપરીત એમનાં આ શેરમાં કહે છે કે,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
            – ‘બેફામ’ બરકત વિરાણી

ફૂલેને પણ ક્યાંય રંગની ઢાલ હશે, અને એજ કવિને પ્રેમની પ્રતીક્ષામાં મોજ નો રંગ લાગે છે અને કહે છે કે,

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
 – ‘બેફામ’ બરકત વિરાણી

રમેશ પારેખની એક ખુબજ સુંદર પંક્તિ રંગ બદલાતાં માણસો માટે છે, કહે છે કે

રંગો કદીય ભોળા નથી હોતા એટલે,
લીલુંચટ્ટાક આખું નગર હોય તોય શું?
 નખ જેવડું અતીતનું ખાબોચિયું ‘રમેશ’
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું?
       – રમેશ પારેખ

માણસને રંગ બદલાતા વાર નથી લાગતી, જયારે રમેશ પારેખ માણસના બદલાતા રંગની વાત કરે છે ત્યાં શેખાદમ આબુવાલા રંગની જેમ બદલાતા સમયની વાત કરે છે.  

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠયું
શું ખરું શું ગલત આદમથી શેખાદમ સુધી.
       – શેખાદમ આબુવાલા

રંગોથી મારું આંગણું રળિયામણું કર્યું,
શણગારી તેં પછીત તો મેં ગઝલ આ લખી.
  – રમેશ પારેખ  

કોઈક પંક્તિમાં કવિ બદલાતા સમયને રંગ સાથે સરખાવે છે તો એ જ રંગ શબ્દને કવિ ગઝલ લખવાં માટે નિમિત ઠેરવે છે, મનનાં અંગણે ઘણી રંગીન યાદોથી તે જીવનરૂપી દીવાલ શણગારી છે અને એ સ્મરણ ગઝલ લખવાનું કારણ છે.

અધ્યાત્મિક કવિતાઓ અને ભજનો લખનાર અવિનાશી કવિ શ્રી મકરંદ દવે રંગીન સ્ત્રી સંગે સજાયેલ સોહામણા સપનાઓને કમળની સાથે ખીલવાની વાત કરતા લખે છે કે,

ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !
  – મકરંદ દવે

ખુબજ વિવિધ પ્રકારનાં લેખન કાર્યમાં પારંગત કવિ શ્રી હરીન્દ્ર દવે એમની એક જ કવિતામાં રંગનાં અલગ અલગ ભાવ વર્ણવે છે, ક્યાંક એમને જુદાઈનોનો રંગ મિલનમાં દેખાય છે તો અમૃતમાં ઉદાસીનતાનો રંગ છે, ક્યાંક છેલ્લી ક્ષણોમાં માશુકાનો રંગ છે તો, ક્યાંક પોતની જાતને ભુલવામાં ઈશ્વરની સાક્ષાત્કારનો રંગ છે.
એવુંજ એક અધ્યાત્મ ગીત બાબા આનંદ લખે છે કે તું ઈશ્વરના રંગમાં રંગાઈ જા. બાબા આનંદ સત્સંગને જ સાચો જીવવાનો રંગ માને છે. દાન પુણ્ય કર, મોહ માયાથી પરે રહેવું હોય તો રામ નામનો રંગ લગાવ.  

હોળીના રંગ તો તમારી આંખ અને ગાલ પર હતાં,
પ્રહલાદની જેમ વગર કારણે જ બળ્યા અમે.
– “મૌલિક વિચાર”

ઉપરની પંક્તિમાં પ્રિયતમાની બેફીકરાઇ હૃદયથી શબ્દ સુધી પહોચે છે, અને કાળા કાજળ અને ગુલાબી ગાલના રંગનાં રંગમાં કારણ વગર પ્રહ્લાદની જેમ બળવાની વેદના શબ્દમય બને છે.

અગિયાર હજારથી પણ વધુ ગીતો લખનારા કવિ શ્રી અવિનાશ વ્યાસનો રંગ પ્રિય શબ્દ છે, એમનાં પ્રચલિત ગીતોમાં રંગનો માનભેર ઉપયોગ થયો છે..
એમની સર્જનાત્મક દ્રષ્ટિને કુતૂહલ થાય છે કે જો પાંદડું લીલું છે તો રંગ રાતો કેમ હશે?

જવાની – કેફિયત – 4

જો કોઈ પથ્થરો ઉપર ફૂલ ઉગાડવાની વાત કરતું હોય, આગને રાખ કરવાની વાત કરતું હોય કે પછી એક જ ઘૂંટડે જિંદગી જીવવાની વાત કરતું હોય તો સમજવું કે એ જીવનની બહુ જ મહામૂલી એવી જવાની જીવી રહ્યો છે. જવાની જીવવાની જેટલી મજા છે એટલી જ મદમસ્તીથી ગઝલકારોએ એમના શેરમાં જવાની કહો કે યુવાનીને રંગીનાતાથી  શણગારી છે. ભાગ્યેજ કોઈ શાયર એવો હશે કે, જેણે આ રંગીન શબ્દલેખ એમની કોઈ પણ જીવન અવસ્થામાં થયેલ કાવ્ય લેખનમાં ન કરેલ હોય.

મન પતંગિયું ઉડ ઉડ કરવા લાગે, મન મોરલો આંબે આવ્યા મોર જેમ મહેકવા લાગે તો સમજવું જવાની ફૂંટી.  જવાની કહો કે યુવાની એ એક માનસિક વૃતિ કે અવસ્થા છે જેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.જે સમયનો સદુપયોગ કરી જાણે, જિંદગીની હરએક પણ મોજથી માણી જાણે ટૂંકમાં ઉત્સાહનો પર્યાયવાચી એટલે યુવાની.. જવાની. ભલે ને ઈતિહાસ ભણવામાં આળસુ હોય, પણ ઈતિહાસ રચી જાણે એવો ઉત્સાહ, કૌશલ, કુશળતા હોય  તે જ સાચી જવાની.  

જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય
_નરેશ ડોડીયા

જવાની શબ્દનાં ઉપયોગથી ઘણી બધી શેર અને ગઝલો વર્ષો વીત્યા પછી પણ યુવાન ન રહ્યા છે. કોઈપણ  ઉંમરે કવિ જવાની શબ્દ પર ગઝલ કે પંક્તિ લખે ત્યારે સાચેસાચ એ જવાન થઇ જાય છે. વાસ્તવમાં જવાનીને કોઈ ઉંમર નથી, એ તો એક માત્ર વિચાર છે, ખુમારી છે. ગઝલોનાં બેતાજ બાદશાહ, શબ્દે શબ્દે અમૃત રેડીને લોકોને એમનાં ગઝલથી ઘાયલ કરનાર અમૃત “ઘાયલ”. કોઈ કવિએ કુદરતનાં નિયમોને ઊંધા કરી નાખ્યાં હોય તો એ આ એક જ કવિ છે. જો મનોબળ છે, આત્મ વિશ્વાસ છે, ભારોભાર સંવેદના છે અને લખું ત્યાં સુધી જવાન છું એવું  દર્શાવતો એમનો એક શેર…

મને પૂછી રહ્યા છે, હું કરું છું શેખ શાની પર?
મહોબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર,
જો ઊર્મીઓ જીવિત છે તો જગત  પણ એક દી’ જોશે,
બુઢાપામાં જીવનને લાવીશું પાછું જવાની પર.
_અમૃત “ઘાયલ”

એવીજ એક ખુમારીભર્યો શેર અને જવાનીને માત આપવાને અમર થવાની વાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી કહે છે કે,

કવનરૂપી જડીબુટ્ટી અમરતાની પણ રાખું છું,
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું.
_શૂન્ય પાલનપુરી

ક્યાંક જવાનીમાં નશાનાં જામ લગાવાની વાત કરે છે તો કોઈકને વહેતી જવાનીની વેદના છે. કોઈક ઘડપણને પાછું ઠેલવવાની અરજ કરે છે, તો કોઈક જવાનીની રંગીનતા હૃદયની ભીતરેથી શોધવાની વાત કરે છે. જવાન ઉંમરની રંગીનતામાં તરબોળ કરતી અને નશામાં ચકચૂર થઇને ભાન ભૂલવાની પંક્તિઓ કવિઓએ ખૂબ અનોખા અંદાઝમાં વ્યક્ત કરી છે. જ્યાં ગઝલને કોઈ રામ કે રહીમ સાથે લેવાં દેવાં નથી એને બસ જવાનીના જામની ઇન્તેજારી છે. ત્યાં એક પંક્તિ રચાય છે કે,

એક ગઝલ તારા નામની, ના રહીમની ના રામની,
મૂછોના દોરા ફૂટ્યાં અને ઋતુઓ આવી જામની,
એક ગઝલ તારા નામની..
_મૌલિક “વિચાર”

હું પણ જાણું છું કે સનમ મારી જવાની જવાની છે;
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.
સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.
મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.
_નટવર મહેતા

એવી જ કૈક  જવાનીના નશામાં શબ્દે શબ્દે ભીનાશ ને વિચારોમાં જલસાના ઘોડાપુરમાં તણાતાં જવાનીના નશામાં, પ્રેમમાં ડૂબવાની વાત કરતાં આરતી પરીખ કહે છે કે,

ભારોભાર ભીનાશથી અમે ભરપૂર હતા,
જવાનીના જોશથી તમે’ય ચકચૂર હતા,
જમાનાની શે’ વિસાત કરે કોરા ધાકોર
સાગરે ભળવા બે’ય કાંઠે ઘોડાપૂર હતા. _આરતી પરીખ

તો વળી, ક્યાંક માદક જવાનીના જોશમાં રોમેરોમથી પ્રેમરંગે રંગાઈ જવાની વાત…

રોજ જવાની ચઢતી ગઈ, 
સાંજ કુંવારી થંભતી ગઈ, 

ઓ, ઓ, ઓ, ઓ… ઘરના દ્વારે મળતી રહી,
બસ એક ઈશારે થયો હું રંગરસીયો…
 _મૌલિક “વિચાર”

પ્રેમરંગે રંગાયેલો કવિ જીવ હવે ખરેખરો મૂંઝાયો… જાયે તો જાયે કહા?!

સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
 _મૌલિક “વિચાર”

ઉપરોક્ત બે પંક્તિઓમાં પ્રિયતમાના એક જ ઈશારે રંગરસિયા થઇને, પ્રિયતમાના એક માત્ર નજરનાં સ્પર્શથી કુંવારી સાંજ થંભતી લાગે છે અને રોજે રોજે જવાનીની માદકતા વધવાનો અનુભવ થાય છે તો વળી ક્યારેક આ  જ કવિ હૃદયને માશુકાનાં શક અને હકની વેદનાથી કંટક ભરી સેજ પર જવાની બળવાની વેદનાની વ્યથા છે.  

ઘડપણનાં ઉંબરે પહોચેલ મન જવાનીને અરજ કરે છે કે, હવે તું પાછી વળી જા, કંઈ થઇ શકે તેમ નથી. કારણ કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે, શ્રી અવિનાશ વ્યાસની ખૂબ  ભાવવાહી  પંક્તિ,

કહું છું જવાનીને, પાછી વળી જા,
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ,
પણ; તન તારું સગપણ ભુલાવી રહ્યું છે.  
_અવિનાશ વ્યાસ

અને એ જ ગઝલમાં બીજી એક પંક્તિમાં મહોબ્બતને જન્મોજનમનો હક છે એમ ખુમારીથી કહે છે છતાં ઘડપણની માફી માંગીને થોડો વધારે સમય જવાનીનો સ્વાદ માણવાની અરજી કરે છે.

મુહોબ્બત તો મારો હક છે જનમનો,
સાકી હતો ને રહ્યો છું સનમનો,
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
_અવિનાશ વ્યાસ    

સાચે જ ડુંગરાને પણ ઝૂકાવી દે અને સૂકી નદીઓને પણ ખળખળ વહેતી રોકી દે તેવો મિજાજ લોકો જવાનીમાં ધરાવે છે અને એવો જ મિજાજ ગઝલકાર સુપેરે એમના શેર ગઝલોમાં કંડારે છે.

શ્રીમદ્ રાજચંદ્ર એ કહ્યું છે,  “રૂપ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય. ન રૂપ રહેગા ન જવાની રહેગી. ઇસ દુનિયા મેં સર્ફિ તેરી કહાની રહેગી… આજે નથી રાજા કે નથી નર્તકી. છોડ બેટા, આ કાયાની માયા. તું એવાં કર્મો કરીને  જા કે ઈશ્વર પણ તારી આતુરતાપૂર્વક રાહ જોતો હોય…”

આસ્વાદ : મૌલિક “વિચાર”
શબ્દ સહાય : આરતી પરીખ

https://artiparikh.wordpress.com/

 

માતૃભાષા – કેફિયત – 3

 

માતૃભાષા

તત્વમાં સત્વ ભળે એટલે માતૃત્વ પ્રગટે. આજનો મહિમા ખુબ અનેરો છે. માં ભારતીની આરાધના અને માં ગુર્જરીમાં શ્રધ્ધા. ગુજરાતી ભાષાએ મારી માતૃભાષા.

ગુજરાતી ભાષા એટલે શબ્દોનો લીલો પાલવ ઓઢી અને વાક્યો થકી લાગણીની સરિતા વહેતી કરતી મારી નિર્મળ માતૃભાષા.

સમાજનું વડીલ એ માતૃભાષા છે. કારણકે એ જ આપણા સામાજીક મૂલ્યોનાં સંસ્કાર આપે છે. કોઈપણ દેશનું વતની હોય તે તેના દેશની સાથે તેની માતૃભાષાને ખુબ પ્રેમ કરતો હોય છે.

શબ્દોના તોરણ બંધાય અને મન પ્રફુલ્લિત બની ડોલવા લાગે. કારણકે, માતૃભાષામાં કહેવાયેલ કોઈ સરસ પંક્તિ હોય, કવિતા હોય કે સુવિચાર; એના શ્રવણ માત્રથી રુંવાટા ઊભા થઇ જાય. એટલે જ અગાઉ કીધું તેમ “તત્વમાં સત્વ ભળે એટલે માતૃત્વ પ્રગટે.” માંના સ્પર્શથી જ દુનિયાની ગમે તેવી હતાશા અને દુઃખ દૂર થઇ જાય.

દરેક ગુજરાતી પોતાની માતૃભાષાને કંઈક આગવું જ માન આપે છે. ગુજરાતીઓના સંસ્કાર છે કે કોઈ પણ કાર્યની શરૂઆત એમનાં ઇષ્ટદેવની વંદનાથી કરે.

આપણી માતૃભાષા ગુજરાતીને વંદન કરતું પિનાકીન ઠાકોરની કોમળ કલમથી લખાયેલ એક ખુબ જ સુંદર મુક્તક ગુજરાતી સાહિત્યમાં સોનેરી અક્ષરે અમર થઇ ગયું. જેમાં લાગણીઓનાં જળ વડે; જેમાં લાગણીઓ જેવી કે સંવેદના, આસ્થા, દેશપ્રેમ, ભાષાપ્રેમ અને ભાઈચારો જેવા પાંચ લાગણીશીલ પંચામૃત વડે માતૃભાષાને પલાળવાની વાત કરે છે. પવિત્ર શબ્દોને ચંદન સાથે સરખાવી કવિ માતૃભાષાની મૂર્તિને ધાર્મિકભાવથી પ્રયોજતા કહે છે કે ચંદનરૂપી શબ્દોને કાગળ પર ઘસીને માતૃભાષાને શણગારું છું. પુષ્પોસમા સહજ ખિલખિલતાં અને મહેંકતા બે ગઝલ બે કવિતાનાં ફૂલહાર અર્પણ કરીને માતૃભાષાને ગુજરાતી સંસ્કારથી મા ગુર્જરીને અમૂલ્ય મુક્તક ભેટ આપે છે.

લાગણીનાં જળ વડે મર્દન કરું છું,
શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ બે કવિતાના પુષ્પો અર્પણ કરી,
પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.
_પિનાકીન ઠાકોર

એ બોલે તો ભાષા બને છે વિવેકી,
ઢળેલા નયનમાં શરમનો ઉતારો.
_શોભિત દેસાઈ

ભાષાનો ખૂબ જ પ્રેમાળ અને વિવેકી પરિચય આ પંક્તિમાં કવિ શોભિત દેસાઈ સરસ શરમાળ શબ્દપ્રયોગ સાથે કરે છે. ભાષા કોઈપણ હોય પણ પ્રિયતમનાં ઢળેલાં નયનથી એકેએક શબ્દ વિવેકી બને છે. અહિયાં કોઈ માતૃભાષાની વાત નથી પરંતુ પ્રિયતમાની ઢળેલી પાંપણથી ભાષાનું વિવેકી બનવું કવિને અતિશયોક્તિ લાગે છે.

શબ્દોથી ધનવાન કવિ રઈશ મણિયાર શબ્દો અને ગઝલોથી ખુબ જ રઈશ કવિ છે. અહિયાં એ પણ કહે છે કે,
ભાષા આવડતી નથી તેથી ગઝલ લખું છું,
વાત કંઈ કરવી નથી તેથી ગઝલ લખું છું.
_રઈશ મનીઆર

જયારે બીજી બાજુ મનથી સૂરીલો અને દરેકેદરેક ગુજરાતીઓના દિલ સુધી પહોંચનાર ગઝલકાર આદિલ મન્સૂરી માતૃભાષામાં મિત્રભાવનો અનુભવ વર્ણવે છે. ભાષામાં ન વ્યાપારની દુર્ગંધ હોય કે ન અધિકારની છાંટ, માતૃભાષા તો આપણા સંસ્કાર છે. આદિલ સાહેબ કહે છે કે,

ભાષાનાં અધિકારની વાત જ ક્યાં છે?
ને શબ્દનાં વહેવારની વાત જ ક્યાં છે?
છે મિત્રના જેવો જ અનુભવ “આદિલ”
આ અર્થનાં વ્યાપારની વાત જ ક્યાં છે.
_આદિલ “મન્સૂરી”

કોઈના હૃદયમાં સ્થાન પામવું હોય તો એક અસરકારક રસ્તો છે “ભાષા”. મને લાગે છે કે, મારા વ્યક્તિવનો ઉછેર હંમેશા મારી માતૃભાષા થકી જ થાય છે.

કદાચ એટલે જ થોડાં સમય પહેલાં મને માતૃભાષાને એક જ મુક્તકમાં વર્ણન કરવાની ઈચ્છા થઇ અને થોડું વાંચન કરતાં કરતાં ગુજરાતી ભાષાનાં શબ્દોની મહેંકથી આપણી ભાષા મને આભ જેવડી વિશાળ અનુભવાય.  આપણી અસીમ માતૃભાષા મને કાવ્યમય મુક્તકોથી સ્પર્શવા લાગી અને મને એકેએક મુક્તક એક સમૃદ્ધ ભાષા સમાન લાગ્યું. અને એજ સંદર્ભે એક મુક્તક સૂઝ્યું….

“શબ્દોની વાનગીથી જ્યારે આ આભ ભરાઈ જશે,
દેવતાઓના આગમનથી એ થાળ બની જશે,
એ મહેંકની વર્ષા થશે આભમાંથી
કાવ્યમય એક મુક્તક પણ ભાષા બની જશે!”

_મૌલિક “વિચાર