
જિંદગી ના મિલેગી દુબારા
“હે કૃષ્ણ, હે વ્હાલા, બસ હવે તો તારી પર જ આશા છે, બધું જ તારા હાથમાં છે.” ચક્મકીત આરસની મૂર્તિ સામે, અંખડ ઘીનો દીવો AC ના પવનના જોરની સામે સ્થિર અડગ પ્રગટે છે, હોસ્પિટલના પરિસરમાં બનાવેલ મંદિરમાં નિર્દોષ સ્મિત કરતી કૃષ્ણની મૂર્તિ સામે એક યુવાન છોકરી મોત અને જીવનની વચ્ચે ઝૂલતા એના જિવાનસાથીના નવજીવન માટે પ્રાર્થના કરતી હોય છે.
હરે રામ..હરે રામ..રામ રામ હરે હરે, હરે ક્રિષ્ના..હરે ક્રિષ્ના..ક્રિષ્ના..ક્રિષ્ના હરે હરે ધુનની વચ્ચે જ
નર્સનો અવાજ સંભળાય છે. “બહેન આપના પતિ…..”
કટ…કટ…કટ…
અમદાવાદના એક ફિલ્મ સ્ટુડીયોમાં ઊભા કરેલ હોસ્પિટલના સેટ પર તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. એકેએક કલાકારો, મેકઅપમૅન, લાઈટ મેનથી માંડી બધા જ આ ફિલ્મના મહુર્ત શોટ માટે કલાકાર વિભાને અભિનંદન આપવા લાગ્યા.
“Very Nice, Proud of You Darling” કેમેરા ડૉલી પર બેસીને ઉપરના એંગલ પરથી શૂટ કરતા વિભાના પતિ એક્ટર કમ ફિલ્મ ડીરેક્ટર સુશાંકે પણ ખુશી વ્યક્ત કરી.
તાળીઓના ગડગડાટની વચ્ચે ૧૦-૧૫ મધમાખીઓનું ટોળું ફરી વળ્યું અને સેટ પરના બધા જ લોકો વેરવિખેર થઇ ગયા.
શુટીંગના બે દિવસ બાદ 24વર્ષીય યુવાન એકટર કમ ડીરેક્ટર સુશાંક સવારથી બેચેન હતા.
“વિભા, સાંભળે છે?” સુશાંકે પેટ પર હાથ મસળતા બુમ પાડી.
હા બોલો? કોઈ નવો પ્લોટ દીમાગમાં આવ્યો કે શું? વિભાએ ટ્રેડમીલ પર દોડતા દોડતા જ પ્રતિસાદ આપ્યો.
અરે..ના રે, મને એસિડિટી જેવું લાગે છે, Rantac લઇ લઉં?
Shakespearની પુસ્તક વાંચતા સુશાંક સામે દવા અને આઈસ્ક્રિમની પ્લેટ ધરતા વિભાએ કહ્યું કે “આ લો Rantac અને વેનીલા આઈસ્ક્રિમ, થોડી જ વારમાં સારું થઇ જશે.”
બીજા દિવસે પણ સુશાંકની હાલતમાં કોઈ સુધારો ન થયો, એસિડિટીની સાથે હવે ગભરામણ પણ થતી હતી એટલે વિભા એ કહ્યુ, “સુશાંક આપણે ડૉ પ્રમોદને કન્સલ્ટ કરી લેવા જોઇએ!”
સુશાંક અને વિભા અમદાવાદની અદ્યતન સુવિધાવાળી મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના Emergency ડીપાર્ટમેન્ટમાં આવી પહોંચ્યાં. ત્યાં તેઓ ડિપાર્ટમેન્ટ હેડ ડૉ ચેતનને મળ્યા અને ડૉ પ્રમોદને ત્યાં બોલાવવા માટે આગ્રહ કર્યો. ડો. પ્રમોદ હોસ્પિટલના તબીબ અધિકારી અને એમના ફેમિલી જનરલ ફિઝીશ્યન હોઈ આ દંપતીને એમના પર ઊંડો વિશ્વાસ હતો.
ડૉ પ્રમોદ આવ્યા અને એમના ECG અને બીજા On Screen Vitals જોઈ સામાન્ય એસીડીટી જ હોવાનું કહીને અડધા કલાક બાદ સુશાંકને રજા આપવાનું સૂચન કર્યું.
ડૉક્ટર પ્રમોદ જરૂરી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે. સાથે સાથ નર્સિંગ સ્ટાફ કહેવા પ્રમાણે સુશાંકને રજા આપવાની તૈયારી કરે છે અને બીજી બાજુ વિભા પણ બિલીંગ ડિપાર્ટમેન્ટ તરફ બહાર જાય છે.
ત્યાં હાજર એક ઓન ડ્યુટી કન્સલ્ટન્ટ ડોક્ટરના મનમાં સુશાંકના હાર્ટની રીધમને લઇને હજી પણ ઘણા પ્રશ્નો છે, તે પાછી સુશાંક પાસે જાય છે અને ડિટેલમાં હિસ્ટ્રી પૂછે છે.
સુશાંક પણ એને છેલ્લા આખા અઠવાડિયાની અને ફિલ્મના મુહર્ત શૂટની વાત કહે છે.
Mr. સુશાંક, જ્યારથી આ દુખાવો થયો તે પહેલા કોઈ અસામાન્ય ઘટના બની હોય તેવુ તમને યાદ છે?
અમમમ..સુશાંક ઘણું વિચારતા ઉત્તર આપે છે. “હા, એ દિવસે મને મધમાખી કરડી હતી, પણ એ તો સામાન્ય ડંખ હતો, મને એનો કોઈ દર્દ પણ નથી.”
ઓન ડ્યુટી કન્સલ્ટન્ટ ડોક્ટરે એ જ ફિલ્મી અંદાજે ડાયલોગ માર્યો, “બસ, એ સામાન્ય ડંખ જ આ અસામાન્ય હાર્ટ રીધમનું કારણ લાગે છે.
કન્સલ્ટન્ટ દોડતી ડિપાર્ટમેન્ટ હેડ ડૉ ચેતન પાસે ગઇ.
સર, મને લાગે છે કે Mr. સુશાંકના બીજા ઇન્વેસ્ટીગેશન કરાવીએ અને કાર્ડીઓલોજીસ્ટની પણ સલાહ લઇએ.
તને એવું શેના આધારે લાગે છે? ડૉ ચેતન પણ થોડા આશ્ચર્યથી પુછે છે.
સર, બે દિવસ પહેલા એમને મઘમાખી કરડેલી છે, ત્યાર બાદ જ એમને છાતીમાં બળતરા શરૂ થઇ છે. So, I think It’s “Bee Sting Allergic Angina” reported in few case papers.
ડૉ ચેતન પણ એ બાબતે સહમત થાય છે અને શહેરના નામી કાર્ડીઓલોજીસ્ટ અને હોસ્પિટલના કાર્ડીઓલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ રાજન ત્રિવેદીને બોલાવે છે.
ફોન ઊપર કરેલા ખુબ જ આગ્રહને કારણે ડૉ ત્રિવેદી આવે તો છે છતાં પણ તેઓ આટલી નાની વયના દર્દીમાં કોઈ નોન સ્પેસીફીક કારણના લીધે તે હાર્ટને લગતી કોઈ પણ સમસ્યા છે તે માનવા તૈયાર નથી થતા.
કન્સલ્ટન્ટ હજી પણ આશા છોડતી નથી અને આગ્રહ કરે છે, “સર, ચેક એન્જીઓગ્રાફી કરવામાં પણ આપણું કે દર્દીનું કોઈ નુકશાન નથી. પ્લીઝ!”
થોડી સેકન્ડના વિરામ બાદ ડૉ ત્રિવેદી હકારમાં માથું ધુણાવે છે અને કહે છે, “લેટ્સ ટેક હીમ ટુ કેથ લેબ.”
સુશાંક નર્વસ કંડીશનમાં એન્જીયોગ્રાફીના ટેબલ પર સુતો છે. થોડીક જ ક્ષણોમાં સ્ટાફ બહાર આવીને વિભાને જણાવે છે કે સુશાંકના હાર્ટને સપ્લાય કરતી મેજર વેસલમાં ફ્રેશ ક્લોટ બનેલ છે, તેના કારણે હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થયો છે.
ડૉ ત્રિવેદી એન્જીઓગ્રાફી ટેબલ પર જ કલોટ ઓગાળવાનું ઈન્જેકશન આપી દે છે અને સુશાંકને 6 કલાક માટે ઓબઝર્વેશનમાં રાખવામાં આવે છે.
ડૉ ચેતન અને ડૉ ત્રિવેદી white કોટમાં સજ્જ વોર્ડમાં પ્રવેશે છે અને સુશાંક પાસે જાય છે.
“કેવું છે ડાયરેક્ટર સાહેબ, આખે આખી બે ફિલ્મ જોઈ શકાય એટલો સમય અમે તમને ઓબઝર્વેશનમાં રાખ્યા.” ડૉ ચેતને હળવા સ્મિત સાથે કહ્યું.
“અરે સર, હું તો ફર્સ્ટ કલાસ થઇ ગયો છું. દિલ કે દર્દ અબ ખતમ, હવે તો પેલી મધમાખીઓનું જ મધ કાઢીને રોજ સવારે પીશ. ફિલ્મી અંદાઝમાં એક્ટિંગ કરતા સુશાંકે ખુબ જ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.
કન્સલ્ટન્ટની નજર ECG સ્ક્રીન પર પડે છે, એને એબ્નોર્મલ લાગતી હાર્ટ રીધમ પણ હવે નોર્મલ લાગે છે અને એ પણ ડિસ્ચાર્જ આપવા માટે તૈયાર થઇ જાય છે.
“ડૉ ચેતન થૅન્ક યુ વેરી મચ”, વિભાએ પોતાના ગોગલ સરખા કરતા કહ્યું.
અરે વિભાબેન, થૅન્ક મને નહીં, અમારી આ કન્સલ્ટન્ટને કહો જેણે આ કેસને અલગ દ્રષ્ટિકોણથી જોયો.
સાચે જ ડૉક્ટર તમે ન હોત તો અમે આ દુખાવાને સામાન્ય દુખાવો માની લીધો હોત અને ખબર નહીં…,
By the Way,આ બધામાં હું તમારુ નામ પુછવાનું તો ભુલી જ ગઇ.
કન્સલ્ટન્ટ ડૉક્ટર નિર્દોષ સ્મિત સાથે..ક્રિષ્ના, ડૉ ક્રિષ્ના…..
