આતાજીનું વ્યક્તિત્વ પવિત્ર ગીતાજીનો સાર છે, આતાજી ત્રણેય ભુવનના નાથની વાણીનો સાર છે. શબ્દો અને સાદગી થકી આતાવાણીનો મધુર રણકાર વિશ્વના અનેક દેશોમાં વસતાં એમના સ્નેહી મિત્રો એ અનુભવ્યો છે.
એમનાં એકેએક શ્વાસમાં અનુભવની ભીનાશ મારા જેવાં અનેક નવશીખ્યાંઓને માર્ગદર્શન આપતી રહી છે.
આતાજીનો મારો સંપર્ક બ્લોગ મારફતે થયો. મને મારા દરેક લખાણ કાર્ય માટે પ્રોત્સાહિત કરતા અને આશિષ આપતાં. આતાજી મને હંમેશા કહેતા કે “મૌલિક” તમારા લખાણમાં મને આધ્યાત્મની છાંટ નજર આવે છે, આપ ખૂબ આગળ જશો અને એમની એ હૂંફના કારણે હંમેશા હું એમને કહેતો કે આતાજી તમે મારા સાતેય સમુદ્ર પાર વસેલ માતાજી છો.
એમનાં અવસાનના એક અઠવાડિયા પહેલાં એમણે મારા બ્લોગ ઉપર એક કોમેન્ટ કરી અને ભૂલથી મારા માટે “તું”કાર વપરાઈ ગયેલ હોવાથી તેમને અફસોસ થયેલ છે તેમ જાહેરમાં વ્યક્ત કર્યું અને ત્યારે મેં એમને કહ્યું કે એક પિતા એમના દીકરાને “તું” જ કહી બોલાવે અને એમણે સહજ આશીર્વાદ આપ્યા.
આતાજીના દિવ્ય આશિષથી અને શ્રી સુરેશ જાની અને શ્રી જુગલ કિશોરની સહાયથી આ અંક હું આતાજીની દિવ્ય આત્માને અર્પણ કરું છું. અને આજથી “વિચારયાત્રા”ના આ પૃષ્ઠના શીર્ષક “વિચાર”ની જગ્યા એ “વિચારવાણી” કરીને આતાજીનું સ્મરણ સદાય રહે અને એમનાં શાબ્દિક વારસાનો હું અંશ બની શકું એવી અંતરની ઈચ્છા સાથે વિરમું છું.
– મૌલિક “વિચાર”
તમારા વિચારોને વંદન.
LikeLiked by 1 person