સ્પર્શ એ લાગણીની ભાષા છે. લાગણી, વેદના, સંવેદના વિગેરે શબ્દ વ્યક્ત નથી કરી શકતા તે મૂકપણે સ્પર્શની વાણી કહી જાય છે. સ્પર્શની ભાષા ખુબ ઊંડી અને અવિરત છે. સ્પર્શમાં સંબંધના ઊંડા મૂળ છુપાયેલ છે. માંના સ્પર્શમાં મમતા સમાયેલ છે તો બાપના સ્પર્શમાં વ્યક્તિત્વનું બંધારણ છુપાયેલ છે. બહેનના સ્પર્શમાં ઔષધી છે, તો ભાઈના સ્પર્શમાં સહકારભરી સૌમ્યતા સમાયેલ છે. પ્રિય પાત્રના સ્પર્શમાં પ્રિતનો શણગાર છે, તો મિત્રના સ્પર્શમાં વિશ્વાસની વ્યાખ્યા જડે છે.
સ્પર્શ એ સૃષ્ટિનો સુખદ અનુભવ છે. સ્પર્શ એક એવો અનુભવ છે જેમાં ક્ષણિક સગાઇને પણ આકાર મળી જાય છે.
સ્પર્શ માત્રથી રૂવાંટાને શ્વાસ મળે છે અને એની દિવ્યતા છેક હૃદય સુધી પહોંચી, સમયને સંગીતમય બનાવે છે.
સ્પર્શ અનુભવ છે સૃષ્ટિનો.
સ્પર્શ વાચા છે સ્નેહની.
સ્પર્શ પહેલ છે સંબંધની.
સ્પર્શ પ્રાર્થના છે સફળતાની.
સ્પર્શ પ્રમાણ છે હાજરીનું.
સ્પર્શ અનુભવ છે ભવેભવની સગાઇનો.
સ્પર્શ અનુભવ છે.
સ્પર્શ અનુભવ છે.
સ્પર્શ અનુભવ છે.
મનની સપાટી ઊપર મૌનના સૂરો સાથે, શ્વાસોઉચ્છવાસના તાલ થકી જયારે અંતર થનગને તો સમજવું કે ધ્યાન નૃત્ય કરે છે.
ધ્યાન એટલે વિચારોનું નૃત્ય, જ્યાં આપણા જીવનના હકાર-નકાર બધાંય વિચારો નૃત્યમાં મગ્ન થઇ અને આનંદની ઊર્મિઓની આરત કરે છે. એવાં સમયે અંતરમાં જાણે આનંદનો મેળો જામે છે.
વિચારો આપણા વ્યક્તિત્વના ઇષ્ટ દેવતા છે અને ધ્યાન વિચારોની આરતી.
વિચારોની ગતિને એકાંતના સંગીતમાં રંગવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
મૌનના ત્રાજવે શબ્દોના મૂલ્યો મૂલવવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
શૂન્યથી સો થયા પછી ભૂંસાવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
શ્વાસના ટકોરે હસ્તરેખાઓને માત આપવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
પડછાયામાં પણ પોતાનાં ધબકાર સાંભળવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
દરેક વૃત્તિમાં એક હકારની પ્રવૃત્તિ શોધવાની પ્રવૃત્તિ એટલે ધ્યાન.
વાસ્તવિક જીવનમાં પોતાની પોતાના સાથેની સ્પર્ધા એટલે ધ્યાન.
“ધ્યાન નૃત્ય છે”
“ધ્યાન નૃત્ય છે”
“ધ્યાન નૃત્ય છે”
એકાંત એટલે સાત્વિક ક્ષણનો એક અંત અને પરમ સાત્વિક ઉલ્લાસનો પ્રારંભ. આધ્યાત્મના દરિયામાં મૌનની હોડી પર સવાર થઈ એકાંતની તરસ છુપાવવાની ક્ષણ એટલે પરમ આનંદ. એકાંત આત્માની તરસ છે. એકાંત મૌનનું સારથી છે. એકાંત એટલે મૌનનો પુનર્જન્મ.
વિચારની પરાકાષ્ટા જ્યાં ક્ષણના ક્ષિતિજનો આનંદની હેલી સાથે મેળાપ એટલે એકાંત. અકળ વિશ્વમાં સકળ ક્ષણ પ્રાપ્ત કરી અંતરધાન થવાની વેળા એટલે એકાંત.
એકાંત એટલે શ્વાસથી ધબકારા સુધીની સફર. એકાંત એટલે શબ્દથી અવાજ સુધીની સફર.
એકાંત એટલે ક્ષણના શરબતી મિજાજથી ભીંજાવાને માણવાની સફર.
એકાંત એટલે એક એવો અંત જ્યાં એક શરીર છોડીને જીવવાની શરૂઆત.
એકાંત એક અંત છે શરૂઆતનો. એકાંત એક અંત છે… એકાંત એક અંત છે… એકાંત એક અંત છે…
આતાજીનું વ્યક્તિત્વ પવિત્ર ગીતાજીનો સાર છે, આતાજી ત્રણેય ભુવનના નાથની વાણીનો સાર છે. શબ્દો અને સાદગી થકી આતાવાણીનો મધુર રણકાર વિશ્વના અનેક દેશોમાં વસતાં એમના સ્નેહી મિત્રો એ અનુભવ્યો છે.
એમનાં એકેએક શ્વાસમાં અનુભવની ભીનાશ મારા જેવાં અનેક નવશીખ્યાંઓને માર્ગદર્શન આપતી રહી છે.
આતાજીનો મારો સંપર્ક બ્લોગ મારફતે થયો. મને મારા દરેક લખાણ કાર્ય માટે પ્રોત્સાહિત કરતા અને આશિષ આપતાં. આતાજી મને હંમેશા કહેતા કે “મૌલિક” તમારા લખાણમાં મને આધ્યાત્મની છાંટ નજર આવે છે, આપ ખૂબ આગળ જશો અને એમની એ હૂંફના કારણે હંમેશા હું એમને કહેતો કે આતાજી તમે મારા સાતેય સમુદ્ર પાર વસેલ માતાજી છો.
એમનાં અવસાનના એક અઠવાડિયા પહેલાં એમણે મારા બ્લોગ ઉપર એક કોમેન્ટ કરી અને ભૂલથી મારા માટે “તું”કાર વપરાઈ ગયેલ હોવાથી તેમને અફસોસ થયેલ છે તેમ જાહેરમાં વ્યક્ત કર્યું અને ત્યારે મેં એમને કહ્યું કે એક પિતા એમના દીકરાને “તું” જ કહી બોલાવે અને એમણે સહજ આશીર્વાદ આપ્યા.
આતાજીના દિવ્ય આશિષથી અને શ્રી સુરેશ જાની અને શ્રી જુગલ કિશોરની સહાયથી આ અંક હું આતાજીની દિવ્ય આત્માને અર્પણ કરું છું. અને આજથી “વિચારયાત્રા”ના આ પૃષ્ઠના શીર્ષક “વિચાર”ની જગ્યા એ “વિચારવાણી” કરીને આતાજીનું સ્મરણ સદાય રહે અને એમનાં શાબ્દિક વારસાનો હું અંશ બની શકું એવી અંતરની ઈચ્છા સાથે વિરમું છું.
– મૌલિક “વિચાર”
સમયમાં સમાઈ જવાની આવડત એટ્લે જીવન જીવવની કળા.
સમય એ એક શક્તિ છે.
એકાંતમય સમય એટ્લે નિજાનંદનું પ્રથમ પગથીયું.
સંગીતમય સમય એટ્લે સ્વર્ગનું સરનામું.
સમય દેહ અને આત્માનાં સમીકરણની શેષ બચેલી રાશી છે.
સમય અદ્રશ્ય રાહ છે જેનો સીધો સંબંધ આપણા કર્મ સાથે રહેલ છે.
સમયની શિસ્ત આપણી સફળતાની ચાવી છે.
સમય સાયુજ્ય છે એકતાનું.
સમય સાયુજ્ય છે વ્યક્તિત્વનું.
સમય અરીસો છે આપણા વ્યક્તિત્વનો. સમયનું હોવું એ આપણા અસ્તિત્વના હોવા બરાબર છે.
સમય સાયુજ્ય છે શ્વાસ અને ધબકારાનું.
સમય સાયુજ્ય છે.
સમય સાયુજ્ય છે.
સમય સાયુજ્ય છે.
માતૃભૂમિ દિવ્ય વરદાન છે. માઁના ખોળામાં જીવનની શરૂઆતનો લ્હાવો છે, તો માતૃભૂમિના ખોળામાં અંતિમ શ્વાસની તક છે
માતૃભૂમિનો સ્પર્શ એ માણસાઈની અનુભૂતિ છે. માતૃભૂમિ સુખની ખનક છે. માતૃભૂમિ અદમ્ય અહેસાસ છે. માતૃભૂમિ પર લહેરાતો વાયરો જાણે પરમાત્માનો શ્વાસ હોય તેવો સૌમ્ય અનુભવ છે.
માતૃભૂમિ પર વહેતી નદીઓ જાણે આનંદઅશ્રુ છે. જેમ સ્ત્રીનાં ભાલ પરનો કંકુ ચાંલ્લો સ્ત્રીના પવિત્ર સંબંધની સાક્ષી આપે છે તેમ માતૃભૂમિની એકેએક રજકણ એનાં બાળકોનાં સંસ્કારને અમર બનાવાની ખાતરી આપે છે.
જેમ સૂર્યનું પ્રથમ કિરણ માતૃભૂમિની રજ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરે છે તેમ માતૃભૂમિને વંદન જ ધર્મની શરૂઆત છે.
જે ભૂમિ પર મારો જન્મ થયો છે તે ભારત માતાને શત શત વંદન.
મા હંમેશાં આપવાનો વ્યવહાર રાખે છે. પહેલા રક્ત પછી દૂધ અને અંત આંસુ.. એટલે જ માનું દિલ પ્રવાહી જેવું નિર્મળ છે.
મા પવિત્ર ગીતાજી છે, મા એક એવી નવલકથા જેમાં પાને પાને મમતા લખેલ છે.કવિઓ એ કોયલનો ટહુકો મધુર વર્ણવેલ હશે, પણ માની વાણીથી મધુર બીજો કોઈ સ્વર નથી. ગઝલ કારો માટે કદાચ પ્રિયતમાના સ્તન સ્પર્શમાં મોજ હશે, પણ માના આંગળીના મળેલ એકેએક સ્પર્શ અદ્ભૂત છે.
કુદરતે દરેકને ત્રણ ત્રણ માના વરદાન આપેલ છે.જેના કૂખે જન્મ લીધો તે જનની, આપણો ભાર સહન કરી આપણને વીર બનાવ્યા તે માતૃભૂમિ, અને આપણા સંસ્કારના પરિવહન માટેનું જે માધ્યમ બની તે માતૃભાષા.