“મન છોડાવે મનુજને, બંધાવે પણ મન મિત્ર થઇ મન મદદ કરે, વળી એ જ બને દુશ્મન”
સંયમ વિચારોને તપતું રાખે છે અને આત્માને કનક બનાવે છે. સંયમની વાણી નજરોમાં છે અને ભાષા શુદ્ધ છે.
સંયમ ઈંદ્રિયોનો ખોરાક છે.સંયમ એક શરીરને આધ્યાત્મિક વાચા આપે છે. સંયમ વિચારની વિદ્યાપીઠ છે.
સંયમ સ્વર્ગની દીવાદાંડી છે, જે જીવનયાત્રાને હંમેશા માર્ગ ચીંધતો રહે છે. સંયમમાં ડૂબવું અલગ વાત છે અને ડૂબીને પલળવું અલગ વાત છે. સંયમ એક એવી ઔષધી છે જેનો વપરાશ બિમાર મનથી કામવાયુ દૂર કરી પ્રાણવાયુ પૂરું પાડવાનો છે. સંયમ મન અને હૃદયને જોડતો તાર છે જે જીવનને કિરતાલ જેવું સૂરીલું બનાવે છે.
સંયમ એ વિચારોનું ત્રાજવું છે જેના બન્ને પલ્લે પવિત્રતા છે.સંયમ એ ઈશ્વરે માણસને ધરાયેલી સત્ય પ્રસાદી છે.સંયમથી જ્ઞાનનું વાવેતર થાય છે. યમ નિયમ સફળતાનું ખાતર છે. મનરૂપી બગીચામાં સંયમરૂપી ખાતર વાપરવાથી માનવ આકૃતિમાં ફળદ્રુપ વિચારોની ખેતી થાય છે. જે સમાજને એક સુવર્ણ વ્યક્તિત્વની બક્ષીશ આપે છે.
કારણ કે,
સંયમ સુવર્ણ છે.
સંયમ સુવર્ણ છે.
સંયમ સુવર્ણ છે.
पोथी पढ़ी पढ़ी जग मुआ ,पंडित भया न कोय | ढाई अक्षर प्रेम का ,पढ़े सो पंडित होई ||
પ્રેમ સંસ્કારનો વારસો છે.પ્રેમ આપણી નસેનસમાં છે માત્ર એને વહેતો કરવાનો છે.પ્રેમ આપણા શ્વાછોશ્વાસમાં છે.નકારનો શ્વાસ ઓગાળીને હકારનો ઉચ્છવાસ પ્રસરાવવાનો છે.
પ્રેમને કોઈ અટક નથી. પ્રેમ સનાતન છે. પતંગીયાના રંગોમાં પ્રેમ છે, મેઘધનુષના અર્ધવર્તુળમાં પ્રેમ છે. સિતારના સૂરમાં પ્રેમ છે.
પ્રેમ આપણી આસપાસમાં જ છે છતાંય કોઈક પાંપણના દરવાજા એને દ્રષ્ટિ સુધી પહોંચવા નથી દેતાં. કરૂણાની દ્રષ્ટિથી નીરખીયે તો પ્રેમ આપણી ભીતર છે.
શબ્દના સહવાસમાં પ્રેમ છે. ભાષાની આરતીમાં પ્રેમ છે.
પ્રેમ એક એવી ભાષા છે જેને બોલાતી નથી પણ અનુભવાય છે, કદાચ એટલે જ એ અસરકારક છે. આંગળીઓના ટેરવે સ્તન યુગલોનો સ્પર્શ પ્રેમ છે.
વિચારયાત્રામાં જ પ્રેમની શોધ છે. પ્રેમ એક બ્રહ્માંડમાં તરતી ઊર્જા છે.પ્રેમ માણસને માનવની નજીક લાવે છે.
મૌલિક વિચારોમાં પ્રેમ છે.
પ્રેમ શાસ્ત્ર છે…પ્રેમ શાસ્ત્ર છે…પ્રેમ શાસ્ત્ર છે…
गुरु ब्रम्हा गुरु विष्णू
गुरुः देवो महेश्वरा
गुरु शाक्षात परब्रम्हा
तस्मै श्री गुरुवे नमः
ગુરુ ત્રિલોકી છે…
ગુરુ એટલે ગુરુરને પીગળી નાખનાર એક દિવ્ય વ્યક્તિત્વ. ગુરુની હાજરી એ જ આપણી પ્રસિદ્ધિ છે.ગુરુ સદૈવ છે. ગુરુ આપણને મનની પાસે લઈ જઈ વિચાર કરતાં શીખવે છે,ગુરુ આપણને સભ્યતાની ઓળખ કરાવી આચાર શીખવે છે. ગુરુ જીવનનો એક દીપ છે જે સદાય પ્રગટીને આપણાં ચરિત્ર પર પ્રકાશ ફેલાવે છે. ગુરુ એક ચારેય તરફ ફેલાયેલી દિશા છે જે રાહ બનીને આપણી સફળતા માટે પ્રસરાયેલી હોય છે.
ગુરુ સૂરજની જેમ તપતા શીખવે છે તો ચંદ્રની જેમ હસતાં, ગુરુ અવિરત શુદ્ધ ચરિત્ર સાથે વહેતાં શીખવે છે તો પહાડની માફક અડગ ટકી રહેતાં શીખવે છે.
ગુરુ આપણને પંખીની જેમ ઊડતા શીખવે છે તો ત્રણ લોકનું જ્ઞાન આપી આપણાં વ્યક્તિત્વને ચમકાવતાં શીખવે છે.
ગુરુ પ્રકાશમાં છે, ગુરુ અંધકારમાં છે. ગુરુ એક એવી ત્રિલોકી દ્રષ્ટિ છે
ગુરુપૂજા દેવપૂજા છે, ગુરુસેવા મમતાની સેવા છે. ગુરુનો વિશ્વાસ ઈશ્વરનો શ્વાસ છે.
ગુરુ એટલે સ્વર્ગનો અનુભવ.
ગુરુ એટલે પૃથ્વીનું જ્ઞાન.
ગુરુ એટલે પાતાળનો સ્પર્શ.
કારણકે,
ગુરુ ત્રિલોકી છે…
ગુરુ ત્રિલોકી છે…
ગુરુ ત્રિલોકી છે…