કેફિયત “સેજ”

kefiyat sejkefiyat sej 2

કોરા કાગળની પથારી કરી શબ્દોથી શણગારવા માટેનો ખુબ જ ભાવસભર અને કવિઓનો પ્રિય શબ્દ હોય તો તે  “સેજ” છે. પ્રણયની પ્રથા હોય કે બેવફાઈની કથા.જીવવાનો આનંદ હોય કે મૃત્યુનો ખોફ, વાજતે ગાજતે ક્યાંક તો લાંબા થવાનું જ છે. આ જીવન મુસાફરીમાં કૈક કેટલાં અનુભવો લીધાં છે અને  લેવાનાં છે. સંબંધોમાં સોનેરી સવાર પણ આવે છે અને અંધારી રાત પણ આવે છે, સુંવાળી રેત પણ છે અને કાંટાળી સેજ પણ છે. આ બધી લાગણીઓ જ્યારે અનુભવાય ત્યારે કવિઓની કલમો રફ્તાર લે.

“સેજ” શબ્દ લાગે છે બહુ નાજુક પણ મુખ્યત્વે કવિઓ આ “સેજ” શબ્દનું સગપણ કાંટા સાથે જ કરે છે. કવિપ્રિયતા એવી છે આ શબ્દ માટે. કેમકે કાવ્યના દરેક પ્રકાર અને પ્રસંગમાં આ શબ્દ લાગણીઓ દર્શાવવા માટે બંધબેસતો છે. ગઝલ હોય કે કાવ્ય, હાલરડું હોય કે ગીત બધે જ આ શબ્દને માળો મળી રહે છે.

ગઝલોના સિકંદર શેખાદમ આબુવાલા કહે છે,

સેજ કાંટાની મળી ત્યારથી હું, જોઉં છું રોજ ગુલાબી સપનાં
ઓ હકીકત હવે મંજૂર નથી, કોણ જીવે હવે માંગી સપનાં
   – શેખાદમ આબુવાલા

ઠાવકા અને શરાબી સપનાંની વાત કરતાં ગઝલકાર અહીંયા હંમેશાની જેમ સેજને કાંટાળી સેજ સાથે સરખાવે છે, સારાં સમય માટે બીજા ઘણાં પર્યાય મળે પણ કપરાં સમયે નિંદર રાણી પણ પિયરીયે નાસી જાય. શેખાદમ આબુવાલા હંમેશા ખુમારીભરી ગઝલો લખવામાં માહેર છે,

એક વિચાર એવો પણ છે જે કહે છે કે,

સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
કેટલી છુપાવી છતાં આંખો હજુ ભીની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
– મૌલિક વિચાર

અહીંયા બળતા દિલને બળતી જવાની સાથે સરખાવી કાંટાળી સેજ અને અગનજ્વાળા એમ બે ભાલા એક જુવાનની જવાનીને ચીરી નાખે છે અને એ વેદના કોને કહેવી એ પોતાની જાતને જ પૂછે છે. જવાની જીવાતી નથી અને ગુલાબી સપનાંની મૌસમ આવતી નથી એ એટલે કહે છે કે, ભીની આંખો ક્યાં સુધી સંતાડી રાખી છે, એવી જ ભેજવળી આંખ અને કાંટાળી સેજની વાત કવિ શ્રી ચીનુ મોદી (ઇર્શાદ) કહે છે કે,

આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
– ચીનુ મોદી(ઇર્શાદ)

કવિ શ્રી ચીનુ મોદીનું “ઈશાર્દ” તખલ્લુસ મારો પ્રિય શબ્દોમાંનો એક છે કેમકે મને એ શબ્દમાં ઈશ (ઈશ્વર) નો સાદ સંભળાય છે, કદાચ એટલે જ એની સંધિ “ઈર્શાદ” થતી હશે. અને સાચે જ ગઝલોમાં મત્લા, મક્તા, રદીફના નિયમોને અવનવાં પ્રયોગો કરીને ચીનુ મોદી ખરેખર ઈશનો સાદ છે. એમને એમની ભીની આંખો ગઝલ લખવાનું કારણ લાગે છે અને કદાચ બીજું મુખ્ય કારણ એ પણ છે કે, શબ્દો કાંટાળી પથારી લાગે છે. શબ્દો મફત છે પણ કાંટાળી સેજરૂપી કિંમત ચૂકવે છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે,
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થઈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.
– ગની દહીંવાલા
“દિવસો જુદાઈના જાય છે” જેવું અમર ગીત લખનાર કવિ શ્રી ગની દહીંવાલા સેજને પ્રણય સાધનોસભર અલંકૃત કરે છે. પરસેવાના પાણીને એક કદમ આગળ વિચારી કવિ કહે છે કે, લોહીનું પાણી કરીને ઉષાએ સૂરજના સોનેરી કિરણોથી મોતીની સેજો પાથરીને ઉપવનની યુવાની સજાવી છે. કુદરતની સજાવટ અહીં ગની દહીંવાલાની કલામથી નીતરે છે.

કદાચ આ જમાનામાં સરહદ પર રહેવાં કરતાં જીવનમાં હસવું એ કદાચ વધારે કપરું અને જીગરવાળું કામ છે, એવી જ એક અંગારને પણ ફૂલ જેટલાં કોમળ ગણી એને હસતાં ઝીલવાની વાત અહીં કરે છે.

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો ગયો…
     – જમિયત પંડ્યા ‘જિગર’

કવિ શ્રી હરીન્દ્ર દવેની આ ખૂબજ નાજુક પ્રેમભરી સ્થિતિને વર્ણવતી કવિ છે, સજની ભૂલ કબૂલતો કરે છે પણ છતાં પણ અંતરમાં નજીક છે અને એક જ સેજ પર છે છતાંય સાજનથી વિરહની વેદના દર્શાવે છે, એક જ પથારીમાં સુવા કરતાં બાલમના બાથમાં સમાઈને સુવાંની મહેચ્છા આ નજીક અંતર હોવા છતાંયે દૂરી અનુભવાય છે, એ ઉજાગરાની રાત એમનાં આ છંદમાં વ્યક્ત કરે છે,

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે અને ખીલે નહીં ફૂલ,
સેજ તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.
– હરીન્દ્ર દવે

માંનો ખોળો એટલે દુનિયાની સૌથી સુખદ અને સલામત જગ્યા.
એવી જ આપણી ધરતી માં પણ. આપણી માતૃભૂમિને કૂણાં ફૂલ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ સરખાવી શકે,

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી તારી વીર પથારી પાથરશે વીશ ભુજાળી …. શિવાજીને ….
– ઝવેરચંદ મેઘાણી

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે…
– ઝવેરચંદ મેઘાણી

એવી જ એક દેશભક્તિની અનુવાદિત કવિતામાં યુદ્ધ મેદાને માર્યા ગયાં શહીદની ઝોળીને સુંવાળી શૈયા પર માતૃભૂમિના અમર સ્પર્શની વાત કરે છે.

મૌલિક “વિચાર”

2 comments

 1. વાહ ખુબ સુંદર ‘સેજ ‘ શબ્દ ને શણગાર્યો.

  સેજ શૈયા છે
  કાંટા સાથે ફૂલોની
  જીવન યાત્રા
  …લતા…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s