કેફિયત – શમણું

“સ્વપ્ન” નિંદર રાણીનું સંતાન છે. સ્વપ્ન ઇચ્છાઓની નદી છે. ઈચ્છાઓ, મહેચ્છાઓ સતત વહેતી રહે છે અને ક્યાંક સ્વપ્નનું ઠેકાણું બની રાત ગુજારી લે છે. કવિ/ગઝલકારોનો ખુબ જ માનીતો શબ્દ એટલે “શમણું”. ગઝલ કવિતા લખવાના સપનાં જોતા જોતા જ સ્વપ્નનો શબ્દપ્રયોગ થઇ જતો હોય છે.
ગઝલકારોએ ગુલાબી સ્વપ્નમાં જીવીને પ્રેમના પડકારને સાર્થક કરવાની પણ વાત કરી છે અને સજાયેલા સપનાઓને વિખેરાઈને રાખ થવાની પણ વાતો પંક્તિઓમાં સર્જાય છે.

જો ગઝલ સર્જનની એક સદી કોઈકને નામ હોય તો તે નામ છે શેખાદમ આબુવાલા. “સ્વપ્ન”, “શમણું”, “સપના” આ બધાં શબ્દો એમની શબ્દ પસંદગીની પ્રથમ હરોળમાં આવે છે. એમને સ્વપ્નને ઘણાં જુદાં જુદાં રંગે રજુ કર્યા છે. એક પુસ્તક રચી શકાય એટલી ગઝલો એમની “સ્વપ્ન” શબ્દના શિર્ષક હેઠળ છે. એમના “સ્વપ્ન”ના શબ્દ પ્રયોગમાં હકારભાવ વધારે છલકાય છે. એમની એક ગઝલમાં સૂરજની રોશની ખરીદી લેવાંનું સ્વપ્ન છે. જે સ્વપ્ન ચાંદનીનું છે. ખરેખર જો સૂરજ જ ચાંદને રોશની આપતો હોય તો એ ચાંદની સૂરજને જ કેમ પર્યાપ્ત નથી?

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે.
                          – શેખાદમ આબુવાલા
 

“Monopoly” શબ્દનું જો સાચું દ્રષ્ટાંત આપવું હોય તો, સૂરજ અને ચાંદ આપી શકાય. આશમાની આકાશમાં આ બંનેની monopoly છે. જેના માટે એક સુંદર ગઝલમાં શેખાદમ કહે છે,

આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનાને,
આકાશની લીલામાં તો શામેલ છે બન્ને.
                               – શેખાદમ આબુવાલા   

જયારે એ જ સપનાનો શાયર જવાનીને પણ માત આપતાં કહે છે કે…
તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાની નીંદર છું,
ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.

જયારે ઘણા રંગીન સ્વપ્નના શેરથી વિપરીત પણ એ જ ખુમારી સાથે કહે છે કે,
જિંદગીમાં જે નથી પુરુ થયું,
એ જ શમણું ખુબ નમણું હોય છે!
                       – શેખાદમ આબુવાલા

સ્વપ્નને બીજા ઘણાં શાયરોએ શાબ્દિક દ્રષ્ટિ આપી છે, આપણે તક મળ્યે માણતાં આવ્યા છીએ તેવાં શબ્દો અને વિચારોના રઈશ એવાં ડૉ રઈશ મનીયાર કહે છે કે,

શમણું ભલેને નભમા વિહરવાનું હોય છે,
આંધી બનેલ ધૂળને ઠરવાનું હોય છે.     
                              – રઈશ મનીયાર

માનો કે ના માનો પણ, સ્વપ્ન પૂરું ન થાય તો જીવનમાં ક્ષણિક આંધી તો રહે જ છે. ને વળી શમણું સાકાર થતી રાહ પર એ વિખરવાનો ભય વધારે રહે છે. જેમાં શબ્દ સંગીતથી અમર થઇ ગયેલ ગુજરાતી કવિતા અને સુગમ સંગીતનું અવિનાશી નામ એટલે અવિનાશ વ્યાસ કહે છે કે,

પ્રેમનો અંજામ પણ આવો હશે, 
ના હતી ખબર,
દિલ દઇ દિલદાર પણ છોડી જશે,
ના હતી ખબર

આંખે આવી શમણાં 
ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા…
                                –  અવિનાશ વ્યાસ

આવી ન આવી એ સૂરત શમણે, 
ત્યાં ક્યાં રે ખોવાઇ ગઈ?
હું તો જોતી ને જોતી રહી, મારા લાલ રે લોચનિયામાં..
                                    – અવિનાશ વ્યાસ

જો પ્રેમ થતાં પહેલાં જ આપણને  અંજામ ખબર હોય તો કેટલું સારું?! અહિયાં કવિ કહે છે કે, શમણા વિખરાય ત્યારે ઘાયલને કેવું થાય છે એ તો પૂછો? જયારે એ જ ભાવ એમની બીજી એક પંક્તિમાં રાતી આંખે વ્યક્ત થાય છે. કોઈક દિલ ઘાયલ કરી શમણાં વિખેરી જાય છે તો ક્યાંક પ્રિય ચહેરો શમણે આવી ખોવાઈ જાય છે.

ઈશનો સાદ એટલે ચિનુ મોદી “ઈર્શાદ”. શબ્દે શબ્દે ઈશ્વરનો સાદ અનુભવાય, ગઝલીયતમાં ખુમારી ટકાવી રાખવાની એમની કળા ખુબ સુપેરે છે,
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
જીવવા માટે બહાનું જોઈએ.
                  – ચિનુ મોદી

પાળિયાની જેમ મારી એકલતા આરડે ને; પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો; આંખો બે આંસુ સ્વરૂપ,
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમાં
કે, ઠાલાં પાણીનો કોઈ કૂપ?
                        –  ચિનુ મોદી

લોકો સ્વપ્ન જોઈને સાકાર કરવા પાછળ દોડે અને આ કવિ જીવનને જ એક સ્વપ્ન કહે છે. જયારે બીજી પંક્તિમાં એ શમણાંને પંખીની જાત સાથે સરખાવે છે. જે શમણું ક્યારે આવીને ઉડી જાય કોને ખબર?

આવી ઘણી ગઝલ કવિતાઓ સ્વપ્ન અને શમણાંને માન આપીને લખાઈ છે, કૈલાસ પંડિત રચિત “દિકરો મારો લાડકવાયો” હાલરડામાં પણ શમણાંને કંઈક અલગ સ્થાન આપ્યું છે,

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે….
                                   – કૈલાસ પંડિત 

પોતાનું બાળક ઊંઘમાં મલકાય છે જાણે રાજકુમારી આવીને એની સાથે વાત કરતી હોય. બાળકને પણ સ્વપ્ન જોતાં શીખવાડવું પડતું નથી એ તો સહજ છે.

ઉજ્જડ વેરાન લાગ્યા ગલીઓના ચમકારા,
સૂનું રે થયું ફળીયું તમારા વિના..
શમણાંમાં આવ્યા તમે, નૃત્ય કરી ડોલાવ્યા મને,
પણ ધીમાં પગલે આમ તે ક્યાં ચાલ્યા ગયા કોઈ ઝણકાર વિના?!
                                 – મૌલિક “વિચાર”
અહિયાં સબંધમાં શ્વાસ નથી પણ શમણે એમની હાજરીનો વિશ્વાસ છે.

“શમણું” ખુબ જ અસરકારક છે અને એની અભિવ્યક્તિ પણ ઘણી બધી અલગ અલગ રીતે થઇ શકે છે. વેણુંભાઈ પુરોહિત પણ એક ગીતમાં લખે છે….
“તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
શમણે સંતાઈ ગયો છાનો છંટાઈ ગયો…”

આ ભાવ પ્રયોગ લગભગ બધા કવિઓએ ઘણી બધી અલગ અલગ રીતે કર્યો હશે. હરીન્દ્ર દવેની પણ એક પ્રખ્યાત કવિતા।…
“એક હસે, એક રડે,
આંખ બે આપસમાં ચડભડે.” માં શમણાંનો આ ભાવ ઊંડાણથી વ્યક્ત થયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s