Month: April 2016

kefiyat – 5

મનનાં આંગણે જયારે વિચારોની હોળી રમાય ત્યારે ભાત-ભાતની ઊર્મિઓ પ્રગટ થાય. રંગનાં રણમાં રચાતી રંગ શબ્દને અલગ અલગ રીતે રજૂ કરતી કેટકેટલી કવિતાઓ કવિઓ દ્વારા રચાયેલી છે.
કવિતાઓમાં વપરાયેલ કવિનાં રંગબેરંગી ભાવ એમનાં રંગીન મિજાજની ઓળખ અપાવતા હોય છે. રંગ શબ્દનાં લયકારામાં કવિઓએ બદલાતી ઋતુઓને અલગ અલગ રંગ સાથે સરખાયો છે, તો ક્યારેક બદલાતા સમયને, તડકા છાયાંને રંગ દ્વારા અભિવ્યક્ત કર્યો છે.  

વિચારોમાં બેફામ અને શબ્દોમાં ભારોભાર બરકત ધરાવતાં શાયર બેફામ સાહેબ
“સંગ તેવો રંગ” કહેવતથી તદ્દન વિપરીત એમનાં આ શેરમાં કહે છે કે,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
            – ‘બેફામ’ બરકત વિરાણી

ફૂલેને પણ ક્યાંય રંગની ઢાલ હશે, અને એજ કવિને પ્રેમની પ્રતીક્ષામાં મોજ નો રંગ લાગે છે અને કહે છે કે,

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.
 – ‘બેફામ’ બરકત વિરાણી

રમેશ પારેખની એક ખુબજ સુંદર પંક્તિ રંગ બદલાતાં માણસો માટે છે, કહે છે કે

રંગો કદીય ભોળા નથી હોતા એટલે,
લીલુંચટ્ટાક આખું નગર હોય તોય શું?
 નખ જેવડું અતીતનું ખાબોચિયું ‘રમેશ’
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું?
       – રમેશ પારેખ

માણસને રંગ બદલાતા વાર નથી લાગતી, જયારે રમેશ પારેખ માણસના બદલાતા રંગની વાત કરે છે ત્યાં શેખાદમ આબુવાલા રંગની જેમ બદલાતા સમયની વાત કરે છે.  

રંગ બદલાતા સમયના જોઇ દિલ બોલી ઉઠયું
શું ખરું શું ગલત આદમથી શેખાદમ સુધી.
       – શેખાદમ આબુવાલા

રંગોથી મારું આંગણું રળિયામણું કર્યું,
શણગારી તેં પછીત તો મેં ગઝલ આ લખી.
  – રમેશ પારેખ  

કોઈક પંક્તિમાં કવિ બદલાતા સમયને રંગ સાથે સરખાવે છે તો એ જ રંગ શબ્દને કવિ ગઝલ લખવાં માટે નિમિત ઠેરવે છે, મનનાં અંગણે ઘણી રંગીન યાદોથી તે જીવનરૂપી દીવાલ શણગારી છે અને એ સ્મરણ ગઝલ લખવાનું કારણ છે.

અધ્યાત્મિક કવિતાઓ અને ભજનો લખનાર અવિનાશી કવિ શ્રી મકરંદ દવે રંગીન સ્ત્રી સંગે સજાયેલ સોહામણા સપનાઓને કમળની સાથે ખીલવાની વાત કરતા લખે છે કે,

ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !
  – મકરંદ દવે

ખુબજ વિવિધ પ્રકારનાં લેખન કાર્યમાં પારંગત કવિ શ્રી હરીન્દ્ર દવે એમની એક જ કવિતામાં રંગનાં અલગ અલગ ભાવ વર્ણવે છે, ક્યાંક એમને જુદાઈનોનો રંગ મિલનમાં દેખાય છે તો અમૃતમાં ઉદાસીનતાનો રંગ છે, ક્યાંક છેલ્લી ક્ષણોમાં માશુકાનો રંગ છે તો, ક્યાંક પોતની જાતને ભુલવામાં ઈશ્વરની સાક્ષાત્કારનો રંગ છે.
એવુંજ એક અધ્યાત્મ ગીત બાબા આનંદ લખે છે કે તું ઈશ્વરના રંગમાં રંગાઈ જા. બાબા આનંદ સત્સંગને જ સાચો જીવવાનો રંગ માને છે. દાન પુણ્ય કર, મોહ માયાથી પરે રહેવું હોય તો રામ નામનો રંગ લગાવ.  

હોળીના રંગ તો તમારી આંખ અને ગાલ પર હતાં,
પ્રહલાદની જેમ વગર કારણે જ બળ્યા અમે.
– “મૌલિક વિચાર”

ઉપરની પંક્તિમાં પ્રિયતમાની બેફીકરાઇ હૃદયથી શબ્દ સુધી પહોચે છે, અને કાળા કાજળ અને ગુલાબી ગાલના રંગનાં રંગમાં કારણ વગર પ્રહ્લાદની જેમ બળવાની વેદના શબ્દમય બને છે.

અગિયાર હજારથી પણ વધુ ગીતો લખનારા કવિ શ્રી અવિનાશ વ્યાસનો રંગ પ્રિય શબ્દ છે, એમનાં પ્રચલિત ગીતોમાં રંગનો માનભેર ઉપયોગ થયો છે..
એમની સર્જનાત્મક દ્રષ્ટિને કુતૂહલ થાય છે કે જો પાંદડું લીલું છે તો રંગ રાતો કેમ હશે?

તસ્વીર વગરની દીવાલ અને નામ વગરનું હૃદય, આપો થોડોક શ્વાસ ઉધાર…

tasvir vagar ni diwal