Month: December 2015

પાન

 

સ્તન યુગલ
    હોઠ કસકસતા
 પાન ડોલાવે
      – મૌલિક “વિચાર”

“પાન” ખુબજ લીલોછમ શબ્દ છે.ગુજરાતી ભાષા સાહિત્યમાં સદાય હર્યોભર્યો શબ્દ.
ભાષા પારંગતોએ આ “પાન” શબ્દને ઘણી અલગ અલગ વેદના, સંવેદના, લાગણી, ઉંમર, મન:સ્થિતિ વિગેરે દર્શાર્વવા સુપેરે વાપર્યો છે.

પાન શબ્દનું તેજપુંજ (પાનમ્) કાવ્ય પંક્તિને આંજી દે તેવું છે. પાન શબ્દના બીજા ઘણા સમાન અર્થી શબ્દો જેવાં કે પર્ણ, પાન, પાંદડું વગેરે શબ્દો પણ કવિઓની પ્રથમ કક્ષાની પસંદ રહ્યા છે. લીલા પાંદડાને લહેરાતા જોઈને પ્રિયતમની યાદ આવે એવાં પ્રયોજન ઘણા કવિઓએ અલગ અલગ રીતે વર્ણવ્યા છે.
શબ્દોનાં માલિક અને સૂરતાલનાં આસામી એવી સંગીત અને સાહિત્યની લીલીછમ આત્મા શ્રી અવિનાશ વ્યાસ “પાન” શબ્દનો મહિમા એમની સંગીતમય કવિતાઓમાં ઘૂંટી-ઘૂંટીને પીરસે છે.
એમના લખાયેલા અને એમનાં જ દ્વારા સંગીતબદ્ધ કરાયેલા ખુબજ પ્રચલિત ગીતો જેવા કે “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” અને “પાંદડું લીલું ને રંગ રાતો” જેવા સદાબહાર ગુજરાતી ગીતોમાં પ્રિયતમને યાદ કરવામાં પાંદડાંને નિમિત બનાવે છે. એજ લહેરાતું પાન કુદરતની જેટલું નજીક છે, એટલુંજ નજીક પ્રિયતમના મન સુધી પહોચવા પ્રેરે છે.

દીકરી વિદાયના ખુબજ પ્રચલીત ગીત માં કવિ અવિનાશ વ્યાસ દીકરીને કોયલ સાથે અને પાંદડાંને પરિવારજનો સાથે સરખાવે છે અને આંબલિયો પાંદડે પાંદડાં રડતા કરે છે.
એ લખે છે,

કોયલ ઊડી રે ગઈ અને પગલાં પડી રે રહ્યાં
સૂના સરવર અને સૂનો આંબલિયો;
એનાં પાંદડે પાંદડાં રડી રે રહ્યાં.
    
એવીજ “પાન”ની વાત જલસાના માણસની કવિ શ્રી સુરેશ દલાલ કહે છે કે

શિશિરમાં
 જેના સઘળાયે પાન ખરી ગયા છે,
એવાં વૃક્ષને
પંખીનો ટહૂકો પણ પાંદડું લાગે.

મોતને ઉત્સવ કહેનારા ફળદ્રુપ શબ્દોનાં માળી સુરેશ દલાલ, માણસની લાચારીને ખુબજ સહજતાથી પાનખરમાં ખરી ગયેલા પાન સાથે સરખાવે છે.
ઘડપણમાં સૂર્યનો મીઠો તડકો, પવનનો લહેરાતો વાયરો, ઝાડ પર ઝુલતાં પાંદડાં આ બધાજ પરિવારના સભ્યો લાગે છે. એજ ખરતી ઉંમરે બારીની બહાર ઝાડ પર લહેરાતું પાન પણ જાણે કોઈ સ્વજન હાથ ડોલાવીને પોતાના ઘરે આવવાંનું આમંત્રણ આપતું હોય એવું લાગે છે. ઘરડા અને એકલવાયા વ્યક્તિ ને “કેમ છો” જેટલો નાનો સંવાદ પણ પંખીના મીઠા ટહુકા જેવો લાગે છે.

કવિશ્રી હરીન્દ્ર દવે પણ જવાનીની લહેરો ને ચંપાની પાંદડી સાથે સરખાવતા કહે છે કે

લીલી ડાળીમાં પીળી ચંપાની પાંદડીને
લાલ લચક કેસૂડો મોહ્યો
માણસ આ ધરતી ઉપર અલગ અલગ ભૂમિકા ભજવવા આવ્યો છે, એટલે જ તત્વજ્ઞાનીઓ કહે છે કે ઝીંદગી એક રંગમંચ છે. જ્યાં હરીન્દ્ર દવે કહે છે કે લીલી ડાળી જેવી જવાનીમાં પીળી ચંપાની પાંદડી જેવી મસ્તી લૂંટીને લાલ લચક કેસરિયા કેસૂડાંની માફક રંગીન જીવન જીવવાનું છે.

માણસ સ્વભાવ એટલે કુદરત પણ ના ઉકેલી શકે એવો કોયડો. માણસને ખુદને જ ખબર હોતી નથી કે એનો સ્વભાવ શું છે. ભાવ અને આવેશ પ્રમાણે એના વિચાર અને વર્તન ભિન્ન ભિન્ન જ હોય છે. ક્યારેક માણસને કોઈકની સફળતામાં આનંદ થાય તો કયારેક એજ માણસની હતાશામાં આનંદ થાય.એજ દર્શાવતા કવિ કહે છે,

એક હસે, એક રડે
આંખ બે આપસમાં  ચડભડે
એક નિહાળે ગગન,
બીજાને જચે ફક્ત આ ધરતી   
એક ઉગાડે ફૂલ
અન્યને ગમે પાંદડી ખરતી.

એજ કવેશ્વર એક પંક્તિમાં જવાનીને રંગીન મિજાજે જીવવા કહે છે અને ક્યારેક કોઈકની હતાશા ને ખરતી પાંદડી સાથે સરખાવે છે. અને આવી જ ભીની લાગણીઓને કોઈકની ઝંખના કરતા કહે છે કે

આ સાવ ફિક્કો ચંદ્ર,
કાળા વૃક્ષમાં
શોધી રહ્યો એકાદ લીલું પાંદડું.

કવિઓના વર્ણનથી પાન ની લીલાશ જીવનને લાલાશ અપાવે છે.કુદરતી સૌન્દર્યમાંથી જો કોઈ કળાકૃતિને કવિઓની કવિતાઓમાં ખુબ જ બહુમાન મળ્યું હોય તો તે શબ્દ છે  “પાન”  

મૌલિક “વિચાર”

વિચારયાત્રા – અંક 2

Click : વિચારયાત્રા અંક – 2 vicharyatra .jpg

કેફિયત

kefiyat

વિચાર શબ્દને કવિઓ ખુબ વિવિધ રંગે કવિતા/ ગઝલમાં શણગારે છે અને એનાથી વિવિધ પરિસ્થિતિઓ નું વર્ણન થાય છે.
વિચારોની અભિવ્યક્તિ ઘણી ભિન્ન છે ભિન્ન છે. ક્યારેક માં નો વિચાર હોય તો ક્યારેક પ્રિયતમાનો, ક્યારેક વિરહની વેદનાથી વિચાર સળગે તો ક્યારેક માશુકની  હાજરના વિચાર થી જ મન ખીલી ઉઠે. ક્યારેક સંતનો વિચાર તો ક્યારેક સંસારનો. ક્યારેક દ્રાક્ષ તો ક્યારેક રૂદ્રાક્ષ.

જયારે પણ હું એકાંતની શોધ માં હોઉં છું ત્યારે હું અંધકારનો સહારો લઉં છું. જેથી મારા પડછાયાથી પણ હાજરીના હોય, પણ વિચારના આવેશ ને કોણ પ્રવેશતા રોકી શકે.
એટલે એ અંધકારમાં એક શેર રચાયું.

 “એકાંતવાળું ના સ્થળ કોઈ જશે છે.
  માણસો ના હોય પણ ત્યાં વિચારો નડે છે”
                                   મૌલિક “વિચાર”

“આપણે જ આપણા દુશ્મન” એ કહેવત ને ગઝલકાર ખુબ સુંદર પંક્તિ ઓ થી સજાવે છે. બે ગણ વાળા મુરબ્બામાં કવિ કહે છે.

  “શું મારા વિચાર છે.
જીવનના પ્રહાર છે.”

મનોજ ખંડેરિયા ના એક શેરમાં કવિ વિચાર ને કંઈક અલગ જ અંદાજથી  વર્ણવે છે.સતત એક જ વિચારમાં રંગાયેલું મન મંઝીલ મળતા જ ક્યાંતો થાકી ગયું હોય, ક્યાં ધરાઈ ગયું હોય એવું પણ બને.વર્ષો વરસ જેને પામવાની લાલસા ક્ષણભરનાં સહવાસથી મન પાછા પગલે ચઢી ઠેકાણે પણ આવે.

“જ્યાં પહોચવાની ઝંખના વર્ષો સુધી હોય ત્યાં,
મન પહોચતાજ  પાછું વળે એવું પણ બને.”
                                   મનોજ ખંડેરિયા

વિચારોના વનવગડા ને મારા પ્રિય કવિ કોઈક અલગજ ઊર્મિઓથી શણગારે છે. મનમાં ને મનમાં જ પરણી ને મનમાં જ રંડાવાની કટાક્ષ કરતા કવિ કહે છે કે

અટારી નીચે વૃક્ષ ઉડયુંતું મનમાં
 વિચારો થઇ આજ અટવાય પંખી

  મૌલિક “વિચાર”