નવરાત્રી એટલે નવરાઓની રાત્રી નહી પણ સૂર, તાલ, શૃંગાર અને રંગારંગમાં મસ્ત થઇને વ્યસ્ત થઇ જવાની રાત્રી.
ગરબે ઘૂમીને આદ્ય શક્તિ માં અંબાની આરાધના કરવાની રાત્રી.
સૂર તાલના દરિયામાં મોજના મોજા બનીને ઉછળવાની રાત્રી.
શહેરમાં ઠંડી ઠંડી લહેરો લહેરાવાની ચાલુ થઇ ગઈ છે અને રંગબેરંગી, આભલા અને ટીક્કીઓથી ચમકતા પોશાક પહેરીને, યુવક, યુવતીઓ શૃંગાર કરીને, તાળીઓ અને ઢોલના ધબકારે ઝૂમવા માટે ગુજરાતી ગુજરાતણોએ પહેલા નોરતાની ઊંધી ગણતરી શરૂ કરી દીધી છે.ગુજરાતીઓના બે મુખ્ય તહેવારો છે. નવરાત્રી અને દિવાળી. ગુજરાતીઓની ખાસીયત છે ખરીદી અને ખાણીપીણી. જે અત્યારે પુરજોશથી ચાલે છે. દુકાનદાર હોય કે ફૂટપાથ પર ચણીયાચોળી વહેચતા ફેરીયાઓ બધાને ધી-કેળા. વર્ષના અંતિમ ચરણમાં બંને તહેવારો શહેરનો માહોલ બદલી નાખશે. રસ્તાઓ અને શેરીઓ રોશનીથી ચક્મકીત થઇ જશે અને રાત પડે મેળા જેવો માહોલ જામશે.
ખેર, હવે થોડાક જ કલાકોમાં ગુજરાતણો નવી નવેલી દુલ્હનની જેમ સજીને ગરબે ઘુમવા જશે અને આંખો, ગાલ હોઠ ઉપર રંગોની મહેફિલ જમાવી અને જે શ્યામ વિના એને આખું વર્ષ એકલડું લાગતું હતું એને રીઝવવા માટે તન અને મનથી દસે દસ રાત્રી થાક્યા વગર ઝૂમી ઉઠશે અને શ્યામને રાસ ગરબા ગાવા માટે આમંત્રિત કરશે. આંખના પલકારા અને કમરના લચકારામાં ગુજરાતણો કોઈક અલગ જ કૈફમાં રંગાશે. હવે તો યુવાનો પણ એટલા જ મસ્તીથી રાસગરબામાં ઝૂમે છે અને રાસ ગરબા માટેની તાલીમ પણ લે છે.
જાતભાતના કેડીયા, ચણીયાચોળી, સાફા, કડા અને અનેક પ્રકારના આભૂષણોથી સજ્જ નાના, મોટા, યુવક, યુવતી ઓ સૌ કોઈ દિવસભરનો નોકરી, ધંધા, school, collegeનો થાક ભુલાવીને માં અંબાને ગરબે ઘુમવા આમંત્રીત કરશે અને માં પાવાવાળી પણ પાવાગઢથી સાક્ષાત એકેએક સુંદરીઓમાં સમાઈને ગરબાની રમઝટ માણશે.
નવરાત્રીનો રંગ દસ દિવસ જ નહી પરંતુ પૂનમ સુધી લાગે લો રહે છે. પહેલાના સમયમાં શેરી ગરબા થતા, પોળ અને શેરીઓમાં યુવકો વારાફરથી ઢોલ નગારા વગાડી અંબે માંની આરતી કરીને આખી રાત સૌ કોઈ નાના મોટા બધા જ ગરબા રસીકો સવારના ચાર વાગ્યા સુધી અટક્યા વગર ગરબે ઘૂમતા પણ એક ખુબ અગત્યની વાતએ પણ ધ્યાન રાખવા જેવી છે કે હવે આધુનિક સમયમાં લાઉડ સ્પીકરનો ખુબ જ ઉપયોગ થાય છે પરંતુ આ જ સમયમાં school, collegeમાં ભણતા બાળકોની પરીક્ષાનો પણ સમય હોય છે તો આપણી સામાજીક જવાબદારી સમજીને ખોટો ઘોંઘાટના થાય તેનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.
ગુજરાતી લોક નૃત્ય ગરબાના ઘણા પ્રકાર છે. ગરબા એક તાળી, બે તાળી, ત્રણ તાળી, હીંચ, રાસ, ચલતી વગેરે.. ઘણા બધા સંગીતકારોએ ખુબ જ સુંદર રાસગરબાની રચના કરી છે અને નરસિંહ મહેતા, મીરાં બાઈથી માંડી સુરેશ દલાલ, અવિનાશ વ્યાસ જેવા કવિઓએ ગુજરાતી રાસગરબા સુંદર શબ્દોથી મઢીને ગુજરાતીપણાથી ભરી દીધી છે.
જો ગુજરાતી રાસગરબાના વિવિધ લેખન વિષે જોઈએ તો કૃષ્ણ ભગવાન, રાધા ગોપીની સાથે સાથે માં પાર્વતીના વિવિધ દૈવીય રૂપો વિષે પણ ઘણા ગરબા કવિઓ,ભજનીકો એ લખ્યા છે.
ભક્તિ અને અધ્યાત્મના રસને સ્વરબદ્ધ કરાયેલ લોક નૃત્યના ખુબ જ પ્રચલિત રાસ ગરબા જેવા કે “તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે”, મથુરામાં ખેલ ખેલી આવ્યાઓ શ્યામ ક્યાં રમી આવ્યા?, આશમાની રંગની ચુંદડી રે માની ચુંદડી, પંખીડા તું ઊડી જાજે પાવાગઢ રે…. આ બધા રાસગરબા ખેલૈયાઓમાં કૃષ્ણ હોય કે માં પાર્વતીનો અંશ માં અંબા હોય સર્વ ભક્તિ શક્તિને પોતાની સાથે ગરબે ઘુમવા આજીજી કરે છે.
ઘણા ગરબા એવા છે જેમાં માં પાર્વતીના ઘણા બધા રૂપો (બહુચર માં, રાંદેલ માં, કાળકા માતા વિગેરે)નું વર્ણન એક જ ગરબામાં કર્યું હોય, જેવા કે
“ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર”, “રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગમાં રંગતાળી”, “અંબા આવો તો રમીએ”……આવા ભક્તિ ગરબામાં પણ માતાજીના વિવિધ અસ્તિત્વ સાથે ગરબે ઘૂમીને જીવન જીવવાની શીખ મેળવવાની માંગણી છે.
શેરી ગરબામાં થતા ગરબામાં પ્રાદેશિક શબ્દ પ્રયોગો ઘણાં થતા હતા. જેના લીધે લોકોના હૃદયમાં માતૃભુમીનો શ્વાસ હંમેશા ધબકતો રહે.”એક લાલ દરવાજે તંબુ તાણીઓ રે લોલ” શેરી ગરબામાં ખુબ જ પ્રચલીત છે. જેમાં અમદાવાદના લાલ દરવાજાની વાત છે. મહી નદીને ઉલ્લેખી ને લખાયેલ ગરબો “મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે.” આવા અનેક ગરબાઓ કોઈ સ્થાનીક પ્રચલીત સ્થળનો મહિમા જળવાઈ રહે એ હેતુ સાર્થક કરે છે.
આજની પેઢીના યુવાનોને ગમતાં ખુબ જ પ્રચલીત ગરબા માં “ચરર ચરર મારું ચકડોળ ચાલે”,”મુંબઈથી ગાડી આવી રે” જેવા ગરબાનો સમાવેશ થાય છે. હિંદી ફિલ્મો દ્વારા જાણીતા થયેલા ખુબ જ જૂના ગરબા પણ એ ગરબાને આજની પેઢીને ગમે તેવી રીતે સંગીતકારોએ લીપ્યા છે. “મોર બની થનગાટ” અને “લીલી લેમ્બુડી રે” જેવા લોક પ્રચલીત ગરબા લોકોના હૈયે અને હોઠે થનગનાટ કરે છે.
બસ હવે થોડાક જ કલાકોમાં ગુજરાતની ધરતી અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સૂરમય વાતાવરણ જામશે. આવો શુભ અવસર ખુબ જ ભક્તિ અને શક્તિથી ઉજવાય તેવી હાર્દિક શુભેચ્છા.
મૌલિક નાગર
“વિચાર”
http://www.maulikvichar.com